India

ઓડિશામાં ટ્રેન દુર્ઘટના બાદ હજુ પણ ભયાનક દ્રશ્ય: હોસ્પિટલોમાં ઘાયલોની સારવાર માટે લાંબી કતારો, અત્યાર સુધીમાં 288ના મોત

ઓડિશાના બાલાસોરમાં ત્રણ ટ્રેનોની ટક્કર બાદનું દ્રશ્ય ખૂબ જ ભયાનક છે. પ્રિયજનોની શોધ અને ઘાયલોની સારવાર માટે ચારેબાજુ હોબાળો મચી ગયો છે. બાલાસોરની હોસ્પિટલોમાં ડૉક્ટરો ઘાયલોના જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોએ જીવ ગુમાવ્યાની પુષ્ટિ થઈ છે અને 900થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે.

ઓડિશાના બાલાસોરમાં આવેલી સરકારી જિલ્લા હોસ્પિટલ શનિવારે યુદ્ધના ક્ષેત્ર જેવું લાગતું હતું. હોસ્પિટલનો કોરિડોર સ્ટ્રેચર પર પડેલા ઘાયલોથી ભરાઈ ગયો હતો, જ્યારે કોરિડોરથી હોસ્પિટલની બહાર સુધી લોકોની ભીડ દેખાતી હતી. ઘાયલ મુસાફરોની સારવાર માટે હોસ્પિટલો વ્યસ્ત છે.

રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળ પર સમારકામનું કામ ચાલી રહ્યું છે. 1000 થી વધુ કર્મચારીઓ કામમાં રોકાયેલા છે. પાટા પરથી ઉતરી ગયેલી ટ્રેનોના કાટમાળ અને ક્ષતિગ્રસ્ત કોચને પાટા પરથી હટાવવામાં આવી રહ્યા છે. ઝડપી પુનઃસ્થાપન માટે 7 થી વધુ પોકલેન મશીનો, 2 અકસ્માત રાહત ટ્રેનો, 3-4 રેલ્વે અને રોડ ક્રેન્સ તૈનાત કરવામાં આવી છે.

ઓડિશાના આરોગ્ય વિભાગે જણાવ્યું કે, અત્યાર સુધી ખાનગી હોસ્પિટલમાં 1175 દર્દીઓ દાખલ હતા, જેમાંથી 793 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે, જ્યારે 382 દર્દીઓ હોસ્પિટલમાં છે, જેમાંથી 2ની હાલત ગંભીર છે, અન્ય તમામની હાલત સ્થિર છે. .