કોલેજના ક્લાસરૂમમાં વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા
ગાંધીનગરના સેક્ટર-7માં આવેલી જે. એમ. ચૌધરી કોલેજમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને F.Y. B.A.માં અભ્યાસ કરતી 19 વર્ષીય વિદ્યાર્થિની શિવાની આહીરે પોતાના ક્લાસરૂમમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટનાનો 4 મિનિટ 38 સેકન્ડનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે, જેમાં યુવતી રૂમમાં પ્રવેશ કરે છે અને આપઘાત સુધીની સમગ્ર પ્રક્રિયા સ્પષ્ટ રીતે જોવા મળે છે. કોલેજ પરિસરમાં બનેલી આ ઘટનાએ વિદ્યાર્થીઓ અને સ્ટાફને શોકમાં ગરકાવ કરી દીધા છે.
પ્રાપ્ત વિગતો મુજબ, પાટણ જિલ્લાના રાધનપુરની વતની શિવાની ભોજાભાઈ આહીર 21 જાન્યુઆરીની સાંજે અચાનક કોલેજ કેમ્પસમાં આવેલી ગર્લ્સ હોસ્ટેલમાંથી ગુમ થઈ ગઈ હતી. હોસ્ટેલમાં તેની હાજરી ન મળતાં કોલેજ પ્રશાસન અને સુરક્ષા કર્મચારીઓ દ્વારા સમગ્ર કેમ્પસમાં શોધખોળ શરૂ કરવામાં આવી હતી. યુવતી લાપતા હોવાનું જાણવા મળતાં જ કોલેજ અને હોસ્ટેલ સત્તાધીશોએ તાત્કાલિક તેના પરિવારને જાણ કરી હતી.
દીકરી ગુમ થયાના સમાચાર મળતાં પરિવાર ગાંધીનગર પહોંચ્યો હતો. સેક્ટર-7 પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને પોલીસે રાત્રિના સમયે શોધખોળ શરૂ કરી હતી. અંતે, કોલેજના જ એક ક્લાસરૂમમાંથી શિવાનીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. કોલેજ કેમ્પસમાં જ બનેલી આ ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ભય અને ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. આહીર પરિવાર, જે મૂળ રાધનપુરના સાનિયાતર ગામનો રહેવાસી છે, તેના પર દીકરીના અકાળ અવસાનથી દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે દીકરીને ગાંધીનગર ભણવા મોકલવામાં આવી હતી, પરંતુ આ કરુણ ઘટનાએ સમગ્ર પરિવારને આઘાતમાં મૂક્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, શિવાનીની આજથી પરીક્ષા શરૂ થવાની હતી, જેના કારણે તે માનસિક તણાવમાં હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ગઈકાલે તે અચાનક ગુમ થઈ ગઈ હતી અને બાદમાં પોતાના જ ક્લાસરૂમમાં દુપટ્ટા વડે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. વિદ્યાર્થિનીના આપઘાત પાછળનું સાચું કારણ જાણવા પોલીસ દ્વારા તમામ પાસાઓ પરથી તપાસ કરવામાં આવી રહી છે. સાથે સાથે, આપઘાતના સીસીટીવી ફૂટેજ પણ તપાસનો ભાગ બનાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્કૂલ, કોલેજ અને યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના આપઘાતના વધતા બનાવોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તાજેતરમાં કડક માર્ગદર્શિકા જાહેર કરી છે. આ ગાઈડલાઈન હેઠળ દરેક શૈક્ષણિક સંસ્થામાં મેન્ટલ હેલ્થ પોલિસી અમલમાં મૂકવી ફરજિયાત કરવામાં આવી છે તેમજ વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલિંગ અને માનસિક સહાયની વ્યવસ્થા વધુ મજબૂત કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.