સુરતમાં 4 વર્ષના બાળકના ગળામાં દોરી વાગતા ગંભીર ઈજાઓ, પિતા સાથે બાઈક પર જઈ રહ્યો હતો
ઉત્તરાયણમાં ખાસ કરીને દોરી વાગવાના બનાવો વધુ બનતા હોય છે પણ લોકો હજુ પણ ખાસ કાળજી રાખતા નથી. રસ્તા પર જતી વખતે ખાસ બાઈક ચાલકને વધુ ધ્યાન રાખવું પડતું હોય છે કેમ કે ઉત્તરાયણના દિવસે અનેક દોરી રસ્તા પર લટકતી હોય છે જે જીવલેણ સાબિત થઈ શકે છે. આજની વાત કરીએ તો અમદાવાદ, સુરત, રાજકોટમાં અનેક આવા બનાવો સામે આવ્યા છે. સુરતના પારલે પોઈન્ટ પાસે પિતા સાથે બાઈક પર જઈ રહેલા 4 વર્ષના બાળકને પતંગની દોરી ગાળામાં ફસાઈ જતા ગંભીર ઈજાઓ થઇ હતી.
બાળકની ઉંમર ચાર વર્ષ હોવાનું સામે આવ્યું છે. ચાર વર્ષનો શિવમ પિતા સાથે બાઇક પર અંબાજી માતાના દર્શન કરવા જઈ રહ્યો હતો.પારલે પોઈન્ટ ખાતે અચાનક પતંગની દોરી ગળામાં આવતા ગંભીર ઈજાઓ થઇ હતી. બાઈક પણ સ્લીપ થઇ ગઈ હતી. જો કે બાઈક સ્લીપ થઈ એ સમયે જ પોલીસ કોન્સ્ટેબલ કિરીટ પટણી ત્યાંથી પસાર થઈ રહ્યાં હતાં.
બાળકના ગળા પર પતંગની દોરી અંદર ઘુસી ગઈ હોવાથી ખુબ લોહી વહી રહ્યું હતું. આ જોતા જ કોન્સ્ટેબલ કિરીટભાઈએ તાત્કાલિક પોતાની બાઈક પર શિવમને બેસાડીને સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં શિવમ્ની તાત્કાલિક સારવાર શરુ કરવામાં આવી હતી.
મૂળ યુપીના પપ્પુસિંગ આજે રજા હોવાથી પરિવાર સાથે બહાર નીકળ્યાં હતાં એ દરમિયાન જ દીકરાનું ગળું કપાતા તહેવારનો માહોલ દુઃખમાં ફેરવાયો હતો.તબીબોએ શિવમના ગળાના ભાગે તાત્કાલિક ઓપરેશન શરૂ કર્યું હતું.તબીબોએ લગભગ 20 કેટલા ટાંકા લીધા હતા અને પોલીસ કોન્સ્ટેબલના કામને પણ વખાણ્યું હતું.
અમારી આપ સૌને અપીલ છે કે આવતીકાલે પણ હજુ ઉતરાયણ ઉજવવામાં આવે છે તો આ ઘટનાની શીખ લઈને કોઈ માણસ કે આકાશમાં ઉડતા પક્ષીને નુકસાન ન થાય તે રીતે તહેવાર ઉજવવો.વડોદરામાં આજે પતંગના દોરા વડે ઈજાગ્રસ્ત થયેલા 57 પક્ષીઓને બચાવાયા હતા જ્યારે 25 પક્ષીઓ મૃત્યુ પામ્યાં હતાં.