સુરતમાં એક જ પરિવારના 7 લોકોએ કરી આત્મહત્યા: પિતાએ તમામ સભ્યોને ઝેર આપી ગળેફાંસો ખાઈ લીધો; મૃતકોમાં 3 બાળકો
સુરત શહેરમાં સામૂહિક આત્મહત્યાનો એક હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના સાત લોકોએ સામૂહિક આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવારના મોભીએ તમામ સભ્યોને ઝેર આપીને ફાંસી લગાવી લીધી હતી. મૃતકોમાં માતા-પિતા, પુત્ર-પુત્રવધૂ અને તેમના ત્રણ બાળકો (બે પુત્ર અને પુત્રી)નો સમાવેશ થાય છે.
પોલીસે કેસ નોંધીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. ઘરના મોભી મનીષે પરિવારના સભ્યોને ઝેરી પ્રવાહી પીવડાવી ફાંસો ખાઈ લીધો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મૃતકોમાં ત્રણ બાળક છે, જે તમામની ઉંમર 8 વર્ષથી ઓછી હોવાનું જાણવા મળ્યું છે. મનીષ મૂળ સુરેન્દ્રનગરના રહેવાસી હતો.
એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. પરિવારે આર્થિક સંકડામણના લીધે આપઘાત કર્યો હોવાની પૂર્ણ શક્યતા છે. ઘરના મોભીએ કોઈને રૂપિયા આપ્યા હતા એ પરત નહી મળતા આવું પગલું ભર્યું હોવાનું પણ સામે આવ્યું છે. મનીષ સોલંકીએ સુસાઈડ નોટમાં લખ્યું છે કે મારે પૈસાની કોઈ તકલીફ નથી પણ જેની પાસે લેવાના છે એ પૈસા પરત આવ્યા નથી.