GujaratIndiaNewsSurat

સુરત ગ્રીષ્મા મર્ડર કેસ બાદ યુવાનોને ગુનાખોરીની દુનિયાથી દૂર રાખવા પાટીદારોએ શરૂ કર્યું આ અભિયાન,

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરા ખાતે ફેનિલે જાહેરમાં ગ્રીષ્મા વેકરિયાની હત્યા કરી હતી,જે અંગે સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે.હાલ હત્યારા ફેનિલને ૩ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.જો કે,આ ઘટનાથી સમગ્ર પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો છે.

કારણ કે મૃત્યુ પામનાર દીકરી ગ્રીષ્મા વેકરીયા અને હત્યા કરનાર ફેનિલ ગોયણી બંને પટેલ સમાજના છે.આ ઘટનાને ધ્યાનમાં લઈ પાટીદાર યુવાનોને ગુનાખોરીની દુનિયાથી દૂર રાખવા માટે પાટીદાર સમાજે એક નવું અભિયાન શરૂ કર્યું છે,સુરતમાં ગત સોમવારે પાટીદાર સમાજના અંદાજે ૬૦૦ થી વધુ સભ્યોએ સાંજના સમયે આ મીટિંગનું આયોજન કર્યું હતું.

જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગ્રીષ્મા સાથે જે બનાવ બન્યો એવો ફરી બીજા કોઈ પરિવાર સાથે ન બને એ માટે અને પાટીદાર યુવાનોને ગુનાખોરીની દુનિયાથી દૂર રાખવા આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.આ મિટિંગ અંતર્ગત મિટિંગમાં હાજર કિંજલ ભલાલાએ જણાવ્યું કે,અત્યારના દીકરા-દીકરીઓ અવળા રસ્તે જાય છે માટે તેમને રોકવા એ આપણા બધા માટે એક મોટો પડકાર બની ગયો છે.

માટે આપણે તેમના માતા-પિતા,યુવાનોમાં તમામને આ અંતર્ગત જાગૃત કરવા જોઈએ.પ્રાપ્ત માહિતી અનુસાર જણાવીએ તો આ મિટિંગમા એ પણ વાત થઈ હતી કે દરેક સોસાયટીમાં આવી મિટિંગ કરવામાં આવશે અને દરેક માતા-પિતા અને યુવાનોને જાગૃત કરવામાં આવશે.

દરેક માતા-પિતાને ખ્યાલ હોવો જોઈએ કે મારો દીકરો કે દીકરી શું કરી રહી છે,આ બાબતે સમાજમાં જાગૃતતા ફેલાવવામા આવશે.આ સિવાય SPS ના પ્રમુખ વેલજીભાઈ શેટાએ જણાવ્યું કે,અમે અમારા યુવાનો ગુનાખોરીના રસ્તે ન જાય માટે આ અભિયાન શરૂ કર્યુ છે,આવી તો ઘણી મિટિંગ કરીશું અને સમાજમાં આ બાબતે જાગૃતતા ફેલાવીશું.સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સમાજની આવી મીટિંગો આયોજિત કરવામાં આવશે.