ફેસબુક પર ફેક એકાઉન્ટ બનાવી યુવકોને હનીટ્રેપમાં ફસાવનાર ગેંગની સુરત પોલીસે કરી ધરપકડ
પૈસા કમાવવા માટે થઈને શોર્ટકટ રસ્તો અપનાવવાના ચક્કરમાં ઘણી વખત લોકો ગુનાહિત પ્રવૃતિઓ પણ કરવા લાગતા હોય છે. અને બાદમાં તેમને આ શોર્ટકટ માટે ભારે કિંમત ચૂકવવી પડતી હોય છે. આવું જ કંઈક સુરત શહેરમાં સામે આવ્યું છે. જ્યાં એક ટોળકી પૈસા કમાવવા માટે થઈને ફેસબુકમાં છોકરીના નામનું એક ફેક એકાઉન્ટ બનાવીને છોકરાઓને ફસાવતી હતી. અને પછી બ્લેકમેલ કરીને તેમની પાસેથી પૈસા પડાવતી હતી. હાલ તો આ ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, સુરત શહેરના કામરેજ પોલીસ સ્ટેશનની ટીમે સોશોયલ મીડિયામાં યુવતીના નામે ફેસબુક એકાઉન્ટ બનાવીને યુવકોને હનીટ્રેપમાં ફસાવીને તેમની પાસેથી રૂપિયા પડાવતી એક ગેંગને ઝડપી પાડી છે. પોલીસે ધરપકડ કરેલ આરોપીઓમાં એક મહિલા સહિત કુલ 11 લોકો છે. પોલીસે આ આરોપીઓ પાસેથી 5.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ આરોપીઓ છોકરીના નામથી ફેસબુક એકાઉન્ટ બનાવી યુવકો સાથે ફ્રેન્ડશીપ કરીને વાતચીત કરતા હતા. જે પછી યુવકને એકાંતમાં મુલાકાત માટે બોલાવતા હતા. અને ત્યારપછી કોઈ બીજી વ્યક્તિ અચાનક ત્યાં પહોંચીને યુવતીના સગા અથવા તો પોતે પોલીસ હોવાની ખોટી ઓળખ આપીને યુવકને પોલીસ કેસ કરવાની ધમકી આપતા હતા. અને બ્લેકમેલ કરીને યુવકો પાસેથી પૈસા પડાવતા હતા. હાલ તો પોલીસે આ ગેંગને ઝડપી પાડી છે. અને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.