GujaratIndiaSouth GujaratSurat

કોરોના મહામારી વચ્ચે સુરતના 24 વર્ષીય યુવકે સ્ટેમ સેલ દાન કરીને 12 વર્ષની કેન્સરગ્રસ્ત બાળકીનો જીવ બચાવ્યો, જાણો વિગતે

ગુજરાતના સુરત શહેરનું નામ સાંભળીએ એટલે તરત મોટા મોટા દાન,સેવાકીય કાર્યોની યાદ આવી જાય. પરંતુ આજે જે દાનની વાત તમે જાણશો તે કદાચ નવીન પ્રકારનું દાન છે. એવું દાન જેનાથી જિંદગી સામે લડતા માણસને નવું જીવન મળે છે. આપણા માનવશરીરમાં સ્ટેમસેલ હોય છે જે આપણે જાતે સર્જન કરેલી વસ્તુ નથી પરંતુ તે આપણને ભગવાને આપેલી એક અમૂલ્ય ભેટ છે કે જે દસ હજારથી લઈ ને લાખો સુધી એકના મેચ થાય છે. તો તેમાંથી થોડાક સ્ટેમસેલ આપણે જેમને જરૂરિયાત હોય અને મેચ થયા હોય તેમને આપીએ અને તેમને નવજીવન મળવાનું છે. તો આ એનાથી મોટો આનંદ શુ હોય”

આજે કોરોના મહામારી વચ્ચે જયારે “ઘરે રહો સલામત રહો” ની વાતો થઇ રહી છે ત્યારે સુરતનો એક યુવકે મહારાષ્ટ્રમાં સારવાર લઇ રહેલ એક ૧૨ વર્ષના કેન્સરના દર્દીનું જીવન બચાવવા માટે આગળ આવ્યો. ૨૪ વર્ષીય હર્ષ ગાંધીએ પોતાના સંજીવની સમાન રક્તકણો દાન આપી એક દર્દીને નવજીવન આપ્યું.

હર્ષભાઈએ ૨૦૧૬ ના દાત્રી સંસ્થા દ્વારા યોજાયેલા એક કેમ્પમાં પોતાનું નામ રક્તકણો દાતા તરીકે નોંધાવેલું હતું. અત્યંત કરુણ ઉદાર એવા હર્ષ જયારે જાણ્યું કે તેના રક્તકણો એક કેન્સરના દર્દી સાથે મેચ થઇ રહ્યો છે ત્યારે તે ખુબ જ ખુશ થયા અને દાનની પ્રક્રિયા માટે આગળ આવ્યા. તેમની પત્ની પૂજા અને માતાપિતા દ્વારા ટેકો આપવામાં આવતા, હર્ષે દાનમાં આગળ વધવાની સંમતિ આપી. કોરોનાના કાળા કેરમાં બહાર નીકળી કોઈને મદદ કરવી તે ખરેખર એક મોટી મૂંઝવણ છે. આવા સમયે દાત્રી સંસ્થા દ્વારા તેમની સલામતીના તમામ પગલાઓ ભરી દાનની પ્રક્રિયા માટે આયોજન કર્યું અને સુનિશ્ચિત કર્યું કે દાતા સહજતાથી પોતાના રક્તકણો દાન કરી શકે અને દર્દીને મદદ પણ થઇ શકે.

તેમની પત્ની સાથે આવેલા હર્ષે દાન પછી જણાવ્યું કે, “મેં હમણાં જ બ્લડ સ્ટેમ સેલ(રક્તકણો) દાનની પ્રક્રિયા પૂરી કરી હોવાથી હું ખુબ જ ઉત્સાહિત છું. હું ખુબ જ ખુશ છું કે મારા થોડા કલાકો જ કોઈનું જીવન બચાવી શકે છે. દાત્રી સંસ્થા સાથે નોંધણી કરતી વખતે, મેં કયારેય વિચાર્યું ન હતું કે થોડા વર્ષોમાં જ મને જીવન બચાવવાની તક મળશે. જો કે આપણા દેશમાં પરિસ્થિતિ સામાન્ય નથી, જયારે દરેક જણ વાયરસને નાબુદ કરવા માટે ટેકો આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે, ત્યારે હું એકજીવ બચાવવા માટે આગળ આવ્યો.”

દાત્રીની ટીમે દરેક પગલે હર્ષભાઈ અને તેના પરિવારની સલામતી સુનિશ્ચિત કરી હતી. સંસ્થાની એક સમર્પિત ટીમે તમામ જરૂરી મંજૂરીઓ લીધી અને દાનની પ્રક્રિયા સુનિશ્ચિત કરી. ટીમના સભ્યોની સહાયથી મુશ્કેલ સમયમાં દાનની પ્રક્રિયા શક્ય બની છે. દાતા તેમજ ટીમની સલામતી સુનિશ્ચિત કરવા માટે અમે દરેક વિગતવાર પગલા પર ધ્યાનપૂર્વક કામ કર્યું છે. ટીમના સભ્યો દ્વારા રાજ્યના તમામ માર્ગ પર મંજુરી લેવામાં આવી છે. દર્દી બીજા રાજ્યમાં હોય અને સમયમર્યાદામાં રક્તકણો કેટલાક પ્રોટોકોલ સાથે પહોચાડવાના હોવાથી ટીમ ૨૪ કલાક નોન સ્ટોપ મુસાફરી કરી દર્દી સુધી રક્તકણો પહોચાડવા માટે કાર્યરત છે. ડૉ.ચિરાગ શાહ અને ડૉ.પરેશ વ્યાસા ના માર્ગદર્શન હેઠળ આ પ્રક્રિયા શક્ય બની છે.

સ્ટેમસેલ ડોનેશન શા માટે મહત્વનું?

થેલેસેમિયા મેજર સ્ટેજમા દર્દીને સ્ટેમસેલની જરુર પડે છે જેમા તેમના ભાઈ-બહેનના સ્ટેમસેલ અથવા જન્મતી વખતે નાળમાથી સ્ટેમસેલ કાઢી બેન્કમા રાખીને અને અથવા અનરીલેટેડ ડોનર પાસેથી દાન તરીકે મેળવી શકાય અને દર્દી ને ચડાવવામાં આવે તો તેમને બીમારી દૂર થાય છે અને જીવ બચી જાય છે. થેલેસેમિયા મેજર ના રોગમા દર્દીના લોહીમા રક્તકણો,ત્રાકકણો અને શ્વેતકણો બનતા બંધ થઈ જાય છે અથવા ઓછી માત્રામાં બનતા હોવાથી દર્દીને બહારથી વારંવાર લોહી ચઢાવવાની જરુર પડે છે.લાંબા ગાળે થેલેસેમિયા મેજર બાળકને બચાવવા મુશ્કેલ હોય છે. જો આ દર્દીનું મેચ HLA મળી જાય તો જ તેમના સ્ટેમસેલ દર્દીને ચડાવવામાં આવે તો બચાવી શકાય છે.

આજની તારીખમાં, એચ.એલ.એ. સાથે મેચ થતા દાતા શોધવાની સંભાવના ૧૦,૦૦૦ માં ૧ થી ૧ મીલીયનમાં એક છે. કારણકે નોંધાયેલા સ્વયંસેવક દાતાઓની કુલ સંખ્યા ખુબ ઓછી છે લોહીને લગતી બીમારીથી પીડાતા દર્દીઓને મેચ દાતા નથી મળી શકતા અને તેમને જીવ ગુમાવવાનો વારો આવે છે. ભારતની કુલ વસ્તીના 0.૩૩% કરતા ઓછા લોકો રક્તકણોના દાન માટે પોતાનું નામ નોધાવેલ છે. જે વસ્તીના પ્રમાણમાં ખુબ જ ઓછું છે.

બ્લડ સ્ટેમ સેલ ડોનર(રક્તકણોના દાતા) તરીકે નોંધણી માટે પ્રથમ પગલું ૧૦ મીનીટની પ્રક્રિયા છે દાન ત્યારે જ થાય છે જયારે કોઈ દર્દી સાથે મેચ થાય. બ્લડ સ્ટેમ સેલ ડોનેશન પણ એક સરળ ૪-૬ કલાકની પ્રક્રિયા છે. જે પ્લેટલેટ દાનની સમાન છે. જેમાં એક હાથમાંથી લોહી લેવામાં આવે છે બ્લડ સ્ટેમ સેલ્સને અલગ તારવી લેવામાં આવે છે બાકીનું લોહી બીજા હાથમાંથી પાછું આપવામાં આવે છે.ફક્ત એટલો જ તફાવત છે કે, દાન આપવાના ૪ દિવસ પહેલા, દાતાને તેના શરીરમાં બ્લડ સ્ટેમ સેલ્સની સંખ્યા વધારવા માટે એક ઇન્જેક્શન આપવામાં આવે છે. દાન અથવા ઇન્જેકશનની લાંબા ગાળાની આડઅશર નથી. પરંતુ વ્યક્તિ ફકત થોડા કલાકોનો સમય આપીને જીવન બચાવી શકે છે.

દાત્રી સંસ્થા શું કામ કરે છે?

દાત્રી ભારતની સૌથી મોટી સ્વૈચ્છિક બ્લડ સ્ટેમ સેલ દાતાઓની રજીસ્ટ્રી છે. વર્ષ ૨૦૦૯ માં રઘુ રાજગોપાલ, ડૉ.નેઝીહ સેરેબ અને ડૉ.સૂ યંગ યાંગ દ્વારા આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. દાત્રીનો મુખ્ય ઉદેશ્ય બ્લડ સ્ટેમ સેલ સારવારના ઈચ્છુક દરેક દર્દી માટે તંદુરસ્ત, સ્વેચ્છિકપણે તૈયાર અને આનુવાંશિક રીતે અનુરૂપ દાતા શોધવામાં મદદ કરવાનો છે. દાત્રી માં ૪,૪૦,૨૧૦ થી પણ વધુ સ્વૈચ્છિક દાતાઓ નોંધાયેલા છે. ૭૧૦ બ્લડ સ્ટેમ સેલ દાનમાં મદદ કરી છે જેમાં આંતરરાષ્ટ્રીય દર્દીઓનો પણ સમાવેશ થાય છે.