GujaratSaurashtra

વરસાદી માહોલમાં બાળકોનું રાખો ખાસ ધ્યાન, સુરતમાં વીજળી પડતા એક બાળકનું મોત

રાજ્યમાં એક તરફ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે આ વરસાદી વાતાવરણ વચ્ચે સુરત ખાતેથી એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે. જ્યાં એક બાળકનું વીજળી પડતા મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. તો બીજી એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ જતાં તેને તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર ના વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. તો બીજી તરફ સુરતમાં જોળવા નામના ગામ ખાતે આવેલી નક્ષત્ર સોસાયટીના એક મકાનની છત પર બે બાળકો રમી રહ્યા હતા. ત્યારે ઘરની છત પર અચાનક વીજળી પડતાં તેમાંથી એક બાળકનું મોત નિપજ્યું તો એક બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જે પછી તે બંનેને હોસ્પિટલ ખાતે તાત્કાલિક અસરથી ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કરતા બાળકના પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.

તમને જણાવી દઈએ કે ઝાલાવાડમાં પણ વરસાદી માહોલ છવાતા ગત રોજ સાયલા તાલુકા ખાતે આવેલા ત્રણ ગામોમાં વીજળી ત્રાટકી હતી. જેમાં એક યુવક તેમજ એક કિશોરનું મોત નિપજ્યું હતું. આમ વરસાદી માહોલમાં દરેક માતા પિતા એ પોતાના બાળકોને બહાર મોકલતા પહેલા વિચાર કરવો જોઈએ.