Gujarat

ગાંધીનગર: વિદેશ મોકલવાના નામે તાંત્રિકે સોની પરિવારનું લાખોનું ફુલેકુ ફેરવ્યું

કેટલાક લોકો વિદેશ જવાના મોહમાં એટલા આંધળા બની જાય છે કે તેઓ તેમની બધી જ વિચાર શક્તિ બાજુ પર મૂકીને ગાંડપણ પર ઉતરી આવતા હોય છે. હાલ મહેસાણા જિલ્લો હાલ વિદેશ જવાના મોહ મુદ્દે પ્રકાશમાં છે. બે દિવસ પહેલા જ કલોલમાં એક વિઝા એજન્ટ દ્વારા રૂપિયાની ઉઘરાણી કરવામાં ફાયરિંગની ઘટના બની હતી. ત્યારે ગાંધીનગરના રાદેસણમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સોની પરિવારે પુત્રોને વિદેશ મોકલવાની ઘેલછામાં તાંત્રિક કમ એજન્ટને લાખો રૂપિયા આપી ચુકયુ છે. અને તેને આ પરિવારના લોકોનું 24.50 લાખ રૂપિયાનું ફુલેકું ફેરવી નાખ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના રાંદેસણમાં વસવાટ કરતા પત્નીએ પોતાના પથારીવશ પતિ સ્વસ્થ થઈ જાય તે માટે તાંત્રિકને ઘરે બોલાવી વિધિ કરાવી હતી. ત્યારે વડોદરાનાં એક તાંત્રિકે પોતાને વિઝા એજન્ટ જણાવીને સોની પરિવારનાં બે પુત્રોને કેનેડા મોકલવાની લાલચ આપીને પરિવાર પાસેથી 24.50 લાખ રૂપિયા લઈને ફુલેકું ફેરવી નાખ્યું હતું. પોતાને વિઝા એજન્ટ ગણાવતો તાંત્રિક હાલ મૃત્યુ પામ્યો છે. માટે ગાંધીનગરની પરિણીતાએ તાંત્રિકની પત્ની અને પુત્ર સામે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

નોંધનીય છે કે, વર્ષ 2011માં ગાંધીનગરના રાંદેસણમાં રહેતાં ઉષાબેન સોનીના પતિ શૈલેષભાઈ એક્સિડેન્ટના કારણે પથારીવશ થઇ ગયા હતા. ત્યારે સેકટર-8 ખાતે આવેલા મહાદેવ મંદિરે આ દંપતી અવારનવાર દર્શન કરવા જતાં હતાં. આ દરમિયાન તેઓ કાંતિ પરમારને મળ્યા હતા. જેણે શૈલેષભાઈને તાંત્રિક વિધિ દ્વારા સાજા કરી દેવાની વાત કરી હતી. પતિ જલદી સાજા થયા એ હેતુથી ઉષાબેને કાંતિ પરમાર પાસેથી તાંત્રિક વિધિ કરાવી હતી.

આમ કાંતિભાઈ પરમારે સોની પરિવારનો વિશ્વાસ જીતી લીધો હતો. કાંતિ પરમારે એક દિવસ ઉષાબહેનને કહેલું કે તમારાં બાળકોને વિદેશ મોકલવાના હોય તો મને જાણ કરજો હું વિઝા એજન્ટનું કામ પણ કરું છું. આ માટે કાંતિ પરમારે 27 લાખ રૂપિયાના ખર્ચની વાત પણ કરી હતી. અને ત્યારબાદ કાંતિ પરમારે તેમની પત્ની શેલવી બહેન અને પુત્ર જિગર સાથે પણ મુલાકાત કરાવી હતી. પછી ધીરે ધીરે સોની પરિવારના પૈસા ખંખેરવાનું શરૂ કર્યું હતું. જો કે આ દરમિયાન ડિસેમ્બર 2021માં કાંતિ પરમારનું હાર્ટ એટેકના કારણે મોત થતા સોની પરિવારના પૈસા લટક્યાં હતા. ત્યારે સોની પરિવારને પૈસા પરત નહિ આવે તેવું લાગતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી.