આંદોલન પર ઉતરેલા ભાવિ શિક્ષકોને શિક્ષણ મંત્રીએ આશ્વાસન આપતાં આખરે શિક્ષક દિને આંદોલન સમેટાયું
ગાંધીનગરમાં શિક્ષક દિનના દિવસે ટેટ-ટાટના ઉમેદવારોએ ધામા નાખ્યા હતા. જો કે TAT હાયર સેકન્ડરીની ભરતી માટે 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર કરવાનું હતું, પરંતુ તે નક્કી તારીખ મુજબ જાહેર ન કરવામાં આવતા ટેટ-ટાટના ઉમેદવારો ગાંધીનગર ખાતે ભેગા થયા હતા અને સચિવાલયને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. અને ભરતી કરવાની, ભરતીમાં બેઠકો વધારવાની, કોમ્પ્યુટર શિક્ષકની માંગ સાથે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.
ટેટ-ટાટના ઉમેદવારોએ સચિવાલયને ઘેરવાનો પ્રયાસ કરતા પોલીસે કેટલાક ઉમેદવારોની અટકાયત પણ કરી હતી. જેમાં 25 જેટલા ઉમેદવારોની ગેટ નંબર 1 પાસેથી અટકાયત કરી લેવામાં આવી હતી. જો કે બાદમાં શિક્ષણ મંત્રી કુબેર ડીંડોળે એ ઉમેદવારોના પ્રતિનિધીઓને આશ્વાસન આપતાં જણાવ્યું હતું કે, હાલમાં સરકાર દ્વારા જૂના શિક્ષકોની ભરતી કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે જેના કારણે હાલમાં નવી કોઈ ભરતીની જાહેરાત કરવામાં આવી રહી નથી. જો કે આ પ્રક્રિયા બાદ આગામી સમયમાં દિવાળી પહેલાં શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કરવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું.
નોંધનીય છે કે, ગઈકાલે ઉમેદવારોના પ્રતિનિધિ મંડળે સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને જણાવ્યું હતું કે હજુ સુધી RR તૈયાર કરવામાં આવ્યા નથી. જો કે બાદમાં આજે શિક્ષક દિનના દિવસે ઉમેદવારો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવતાં શિક્ષણ મંત્રીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે નવી ભરતીના RR તૈયાર કરી દેવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં દિવાળી પહેલાં શિક્ષકોની ભરતી માટેની જાહેરાત કરવામાં આવશે.
જાણો શું છે સમગ્ર મામલો?
નોંધનીય છે કે થોડા મહિના પહેલા ગુજરાત સરકાર દ્વારા 24,700 શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જો કે આ જાહેરાત કર્યાનો ઘણો સમય થઇ ગયો છતાં પણ હજુ સુધી ભરતીની કોઈ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નથી. જેના કારણે આજે શિક્ષક દિનના દિવસે ટેટ-ટાટના ઉમેદવારોએ ગાંધીનગર ખાતે ભેગા થઈને સચિવાલયને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો.