અમદાવાદથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક હીરાના કારીગર પર માલિક ને શંકા જતા માલિક અને અન્ય લોકો દ્વારા ભેગા મળીને કારીગરને માર મારવામાં આવ્યો હતો. તેના લીધે કારીગરને ગંભીર ઈજા પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું છે. પરિવારજનો દ્વારા આ બાબતમાં કૃષ્ણનગર પોલીસ માં સમગ્ર ઘટનાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. કૃષ્ણનગર પોલીસ દ્વારા આ મામલામાં ફરિયાદ દાખલ કરતા હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે. જ્યારે બીજી તરફ સામાન્ય શંકાના આધારે એક વ્યક્તિનું મોત થતા હીરાબજારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ શહેરમાં આવેલા ઠક્કરનગરમાં આ ઘટના બની છે. ઠક્કરનગર વિહાણ કોમ્પ્લેક્સમાં હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કાર્ય કરનાર હરેશભાઈ ભાલિયાને હીરાના કારખાનાના માલિક ધર્મેશ મોરડિયા, મેનેજર મુકેશ વઘાસીયા અને વિજય ગજ્જર નામના વ્યક્તિ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમણે લાકડીઓ વડે ઢોર માર મારવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, હીરાના પાંચ નંગ મળતા ન હોવાના કારણે આરોપીઓ દ્વારા હરેશભાઈ પર શંકા રાખીને તેમને માર માર્યો હતો. આ ઘટનામાં હરેશભાઈ ખુબ જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા અને તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ટુંકી સારવાર દરમિયાન તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. પરિવારના મોભી મોત થતા પરિવારજનો દ્વારા ન્યાયની માંગ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, હરેશભાઈ મૂળ અમરેલી ના રહેવાસી છે અને હાલ નિકોલની ચાણક્ય પાર્ક સોસાયટીમાં રહેતા હતા અને છેલ્લા 15 વર્ષથી હીરા ઘસવાનું કામ કરી રહ્યા હતા. હરેશભાઈ અમદાવાદના જુદા-જુદા કારખાનામાં હીરા ઘસીને પોતાના પરિવારનું ભરણપોષણ કરતા હતા. ઠક્કરનગરમાં ધર્મેશભાઈ મોરડિયા ના હીરાના કારખાનામાં મૃતક હરેશભાઈ 20 દિવસ અગાઉ જ જોડાયા હતા. ધર્મેશભાઈ ને પાંચ જેટલા હીરાના નંગ જમા કરાવ્યા વગર હરેશભાઈ ચા પીવા માટે ચાલ્યા ગયા હતા.
તે કારણોસર આરોપીઓ દ્વારા હરેશભાઈને પકડીને એક રૂમમાં બંધક બનાવી હીરાના નંગની ઉઘરાણી શરૂ કરવામાં આવી હતી. પરંતુ, હરેશભાઈ કંઈ જણાવે તે પહેલાં જ આરોપીઓ દ્વારા તેમને રૂમમાં પૂરીને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હતો. તે કારણોસર તેમનું કરૂણ મોત નીપજ્યું હતું. આ મામલામાં કૃષ્ણનગર પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધી કારખાના માલિક સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.