NewsCrimeIndia

Murder: હું ભણેલી-ગણેલી છું મારો નિર્ણય જાતે લઈશ…આ સાંભળીને પિતા ગુસ્સે થયા અને દીકરીને ગોળી મારી દીધી અને પછી…

ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે. શહેરની પોશ કોલોનીમાં રહેતા એક સરકારી કોલેજના લેક્ચરરે તેની શિક્ષક પુત્રીની ગોળી મારી હત્યા કરી અને પછી પોતે પણ આત્મહત્યા કરી લીધી. પ્રેમ લગ્નની જીદને કારણે પિતાએ આ ભયંકર પગલું ભર્યું હતું. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

મૈનપુરી જિલ્લાના રહેવાસી નરેન્દ્ર સિંહ યાદવ કાસગંજના નાગરિયામાં શેરવાની ઇન્ટર કોલેજમાં ભૌતિકશાસ્ત્રના લેક્ચરર હતા. લગભગ 25 વર્ષ પહેલા તેણે કાસગંજ શહેરના સદર કોતવાલી વિસ્તારમાં આવેલી આવાસ વિકાસ કોલોનીમાં પોતાનું ઘર બનાવ્યું હતું. ઘરમાં નરેન્દ્ર યાદવ ઉપરાંત તેમની પત્ની શશી યાદવ, પુત્રી જુહી યાદવ અને એક પુત્ર રહેતા હતા. દીકરો હાલમાં નોઈડામાં એસએસસીની તૈયારી કરી રહ્યો છે. જ્યારે પુત્રી જુહી યાદવ કાસગંજ જિલ્લાની મિર્ઝાપુર પ્રાથમિક શાળામાં શિક્ષિકા હતી.

જુહી પોતાની પસંદના છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી. પિતાને આ વાત ગમતી ન હતી. દીકરીને ઘણું સમજાવવામાં આવ્યું, પણ તે પોતાની જીદ પર અડગ હતી. જૂહીએ માતા સામે તેના પિતાને સ્પષ્ટ જવાબ આપતાં કહ્યું, હું ભણેલી છું. હું મારો નિર્ણય જાતે લઈશ કારણ કે હું મારા પગ પર ઉભી છું.

આ સાંભળીને પિતા નરેન્દ્ર યાદવ ગુસ્સે થઈ ગયા અને તેઓ રૂમમાં ગયા. બાદમાં રાઈફલ બહાર કાઢીને ફાયરિંગ કર્યું હતું. આ દરમિયાન જૂહીએ ગોળીથી બચવા માટે પ્રયત્ન કર્યો પરંતુ ગોળી તેની હથેળી વીંધીને તેની છાતીમાં ઘુસી ગઈ.તે ત્યાં જ બેભાન થઈને પડી ગઈ હતી.

બાદમાં પિતાએ જાતે જ રાઈફલ ગળામાં રાખીને ટ્રિગર દબાવ્યું અને આપઘાત કરી લીધો હતો. પતિ અને પુત્રીની આ હાલત જોઈને માતાએ બૂમો પાડવાનું શરૂ કર્યું, ત્યારબાદ આસપાસના લોકો પણ એકઠા થઈ ગયા અને તેના ઘરે પહોંચી ગયા. જ્યાંથી લોહીથી લથબથ પિતા-પુત્રીને હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ ડોક્ટરોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.