GujaratSouth GujaratSurat

સુરતમાં કાર અથડાતા સર્જાયા ફિલ્મી દ્રશ્ય, નબીરાએ પહેલા કાર ઠોકી અને પછી સામેવાળા પર જ કાર ચલાવી દીધી

રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ બધાની વચ્ચે સુરતમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. ત્યારે અકસ્માતનો ભોગ બનનાર યુવક નબીરાને બોલાવવા ગયો તે દરમિયાન નબીરાએ અકસ્માતનો ભોગ બનનાર યુવક પર ફૂલ સ્પીડમાં કાર ચલાવી દીધી હતી. જેથી અકસ્માતનો ભોગ બનનાર યુવક નબીરાની કારના બોનેટ પર ચડી ગયો હતો. ત્યારે નબીરાએ કાર રોકવા ને બદલે ત્રણ કિલોમીટર સુધી ફૂલ સ્પીડમાં કાર ચલાવી હતી. આ ઘટનામાં અકસ્માતનો ભોગ બનનાર યુવકનો જીવ જોખમમાં મુકાયો હતો. હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરત શહેરના પાલ વિસ્તારમાં ગત રોજ મોડી રાત્રે અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ જેવી મોટી દુર્ઘટના બનતા ટળી છે. જ્યાં દેવ આહીર નામના એક નબીરાએ બેફામ કાર ચલાવતા મુર્ગેશ બ્રહ્મભટ્ટ નામના યુવકની કાર સાથે અથડાઈ ગઈ હતી. જેથી  મૃગેશ બ્રહ્મભટ્ટની કાર પર ઘસારો થઈ જતા તેણે આ નબીરાને કારમાંથી બહાર આવવા માટે કહ્યું હતું. પરંતુ નબીરો દેવ આહીર કારની બહાર ન આવતા મુર્ગેશ બ્રહ્મભટ્ટ દરવ આહીરની કારના બોનેટ પર બેસી ગયો હતો. ત્યારે દેવ આહીર અચાનક જ પોતાની કાર ચાલુ કરીને સ્પીડમાં ચલાવવા લાગ્યો હતો. અને આશરે બે કિલોમીટર સુધી મુર્ગેશ બ્રહ્મભટ્ટને બોનેટ પર બેસાડીને લઈ ગયો હતો.જ્યાં મુર્ગેશ બ્રહ્મભટ્ટના સાથી મિત્રો પણ દેવ આહીરની કારનો પીછો કરતા કરતા નિશાલ સર્કલ પાસે પહોંચ્યા અને ત્યાં તેમણે દેવ આહીરને ઝડપી પાડ્યો હતો. અને  ત્યારપછી પાલ પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ કરી હતી.

નોંધનીય છે કે, પોલીસને જાણ થતાં પાલ પોલીસે તાત્કાલિક અસરથી ઘટના સ્થળ પર પહોંચીને દેવ આહીર ની અટકાયત કરી હતી. મુર્ગેશ બ્રહ્મભટ્ટના મિત્રોએ આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં ઉતારી લીધો હતો. જેને જોતા કોઈ ફિલ્મી દ્રશ્ય લાગી રહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે આરોપી ઇસમ દેવ આહીરે મીડિયા સમક્ષ પોતે દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હોવાની પણ કબૂલાત કરી રહ્યો હતો. ત્યારે આ નબીરા વિરુદ્ધ પોલીસ શુ કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.