BollywoodCrimeIndia

ગેંગસ્ટરે સલમાનને આપી ધમકી, માફી માંગ નહિ તો હવે ઝટકો જ લાગશે: સલમાન ના ઘરની બહાર પોલીસના ધામા

બોલિવૂડના ‘દબંગ’ સલમાન ખાનના જીવન પર મંડરાયેલો ખતરો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સલમાનને ગેંગસ્ટર ગોલ્ડી બ્રારે ધમકી આપી છે. જે બાદ તેમના ઘરની બહાર સુરક્ષા કડક કરી દેવામાં આવી છે. આખી રાત મુંબઈ પોલીસના કર્મચારીઓ સલમાન ખાનના બાંદ્રા સ્થિત ઘર ગેલેક્સી બહાર પેટ્રોલિંગ કરતા જોવા મળ્યા હતા. પોલીસ સંપૂર્ણ એક્શનમાં છે. તેઓ ગેલેક્સીની બહાર ભીડને એકઠા થવા દેતા નથી.

18 માર્ચે સલમાનના મેનેજર પ્રશાંત ગુંજલકરને ધમકીભર્યો ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો, જેમાં સલમાન ખાન સાથે ‘વાત’ કરવાની માંગ કરવામાં આવી છે. આ મેલ રોહિત ગર્ગના નામે મળ્યો છે. ઈ-મેલમાં લખ્યું હતું કે, ‘ગોલ્ડી બ્રારને તમારા બોસ એટલે કે સલમાન ખાન સાથે વાત કરવી છે. તેણે ઈન્ટરવ્યુ જોયો હશે, જો તમે ના જોયો હોય તો તેને જોવા માટે કહો. જો તમારે મામલો બંધ કરવો હોય તો વાત કરી લેજો, જો તમારે રૂબરૂ કરવું હોય તો તે પણ કહો. મેં તમને સમયસર જાણ કરી છે, આગલી વખતે તમને ઝટકા જોવા મળશે…’

ઈ-મેલ મળ્યા બાદ સલમાન ખાનના મેનેજરે મુંબઈના બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. મામલાની ગંભીરતા અને સલમાન ખાનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાંદ્રા પોલીસે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર અને રોહિત બ્રાર વિરુદ્ધ IPCની કલમ 506(2), 120 (B), 34 હેઠળ કેસ નોંધ્યો છે. આ સાથે સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

આ પહેલીવાર નથી જ્યારે સલમાનને આવી ધમકી મળી હોય. હાલમાં જ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ અભિનેતાને જેલમાંથી ધમકી આપી છે. એક ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં લોરેન્સે સલમાનને 1998ના કાળિયાર કેસમાં માફી માંગવા કહ્યું હતું. અન્યથા પરિણામ ભોગવવાની ચીમકી આપી હતી. બિશ્નોઈની માંગ છે કે સલમાન તેના સમુદાયની માફી માંગે. ગેંગસ્ટરે કહ્યું- કાળા હરણના મામલે હું બાળપણથી જ સલમાન પર ગુસ્સે હતો. તેઓએ મારા સમુદાયના સભ્યોને પૈસાની ઓફર પણ કરી.

સલમાન પર હુમલો કરવાની યોજના ઘણી વખત નિષ્ફળ રહી છે. 2019 માં, લોરેન્સ બિશ્નોઈએ તેના નજીકના સંપત નેહરા સાથે સલમાન ખાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટની રેસી કરી હતી. પરંતુ સલમાન પર હુમલો કરવાનો તેનો પ્લાન નિષ્ફળ ગયો. મળતી માહિતી મુજબ, હથિયારની રેન્જ ઓછી હોવાને કારણે ગેંગસ્ટરે સલમાન પર હુમલો મોકૂફ રાખ્યો હતો.

તેની યોજના નિષ્ફળ ગયા પછી પણ ગેંગસ્ટરે પ્રયાસ કરવાનું છોડ્યું નહીં. ગોલ્ડી બ્રારના કહેવા પર શૂટરોને મુંબઈ મોકલવામાં આવ્યા હતા. તેઓએ સલમાનના ફાર્મ હાઉસની સંપૂર્ણ તપાસ કરી. શૂટરે ફાર્મ હાઉસના ગાર્ડ સાથે પણ મિત્રતા કરી હતી. અભિનેતાની દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. પરંતુ સલમાનની કડક સુરક્ષા બાદ આ પ્લાન પણ નિષ્ફળ ગયો હતો.