અમદાવાદ શહેરમાં યુવકે તેની મંગેતર ના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. યુવકની સગાઈ જેલ સિપાહી તરીકે ફરજ બજાવનાર યુવતી સાથે થઈ હતી. યુવતીને યુવક પસંદ ન હોવાથી તે યુવકને લગ્ન માટે ના પાડી દેવા સતત દબાણ કરતી હતી તેમજ તું મને નથી ગમતું કહીને તેને ત્રાસ આપતી હતી. ત્યારે બે દિવસ અગાઉ બંને યુવક અને યુવતી મળ્યા ત્યારે પણ બંને વચ્ચે મોટો ઝઘડો થયો હતો. તેથી મંગેતરના આવા ત્રાસથી કંટાળીને આખરે યુવકે આપઘાત કરી લીધો હતો. ત્યારે પોલીસે હાલ તો જેલ સિપાહી યુવતી વિરુદ્ધ આત્મહત્યા કરવા દુષ્પ્રેરિત કરવાનો ગુનો નોંધી ને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં વસવાટ કરતા જગદીશભાઇ પટેલના દીકરા જીગરની સગાઇ સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે જેલ સિપાહીની ફરજ બજાવતી ફાલ્ગુની ચાવડા સાથે થઇ હતી. સગાઈ થઈ ત્યારથી જ યુવતી સતત યુવકને તેના શરીર તેમજ દેખાવને લઈને મેણા ટોણા મારતી હતી. અને કહેતી હતી કે મારા પપ્પાના દબાણને કારણે હું લગ્ન માટે ના નથી પડી શકતી. માટે જ યુવતી લગ્ન માટે ના પાડી દેવા જીગર પર સતત દબાણ કરતી હતી.
નોંધનીય છે કે, બે દિવસ પહેલા જીગર યુવતીના ઘરે ગયો હતો ત્યારે પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. ત્યારે મંગેતરના ત્રાસથી કંટાળીને જીગરે યુવતીને ઘરની બહાર કાઢીને પોતે રૂમ અંદરથી બંધ કરી દીધો અને ત્યાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યારે હાલ તો પોલીસે આ સમગ્ર મામલે જીગરના પિતાની ફરિયાદ આધારે યુવતી વિરુદ્ધ ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.