SaurashtraGujaratRajkot

પુરુશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોના સમર્થનમાં માલધારી સમાજે આપ્યો ટેકો

રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં આ આંદોલનને માલધારી સમાજ દ્વારા ટેકો આપવામાં આવ્યો છે. અમદાવાદમાં માલધારી સમાજની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. તેની સાથે જો માલધારી સમાજના પ્રશ્નોનું નિરાકરણ આવશે નહીં તો ચૂંટણીમાં તેનો જવાબ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

તેની સાથે માલધારી સમાજના પ્રશ્નો અંગે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરાશે. આ સિવાય ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અમિત શાહના મધ્યસ્થ કાર્યાલય ખાતે પણ રજૂઆત કરવા માટે માલધારી સમાજ પહોંચવાનો છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા જે ગાયો પકડવામાં આવી હતી તેમાંથી કેટલી મૃત્યુ પામી અને કેટલી જીવંત રહેલ છે  તેની પણ વિગતની માંગ  બેઠકમાં કરાઈ હતી. તેની સાથે સાથે રાજા-રજવાડો દ્વારા જે ગૌચર જમીન માલધારી સમાજને અપાઈ હતી તે સરકારી અધિકારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવી છે તેવા આક્ષેપ પણ આ બેઠકમાં કરાયા હતા.

જ્યારે આગામી સમયમાં રાજા-રજવાડાઓના વંશજોને પણ પત્ર લખીને આ બાબતમાં જાણ કરાશે. જો લોકસભાની ચૂંટણી પહેલા માલધારી સમાજની આ સમસ્યાનું નિરાકરણ આવશે નહીં તો માલધારી સમાજ ભારતીય જનતા પાર્ટીને મત આપવામાં આવશે નહીં.

નોંધનીય છે કે, પરશોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ નો વિરોધ યથાવત રહેલ છે. શુક્રવારના જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં ગોંડલમાં સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં રૂપાલા દ્વારા જાહેરમાં ક્ષત્રિયો સામેના નિવેદન બદલ માફી માંગવામાં આવી હતી. કરણી સેના સહિતના સંગઠનો દ્વારા રૂપાલાની માફીને સ્વીકારી આવી નહોતી. ક્ષત્રિય સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે કે, જયરાજસિંહ એકલા સમાજ તરફથી નિર્ણય ન લઈ શકે તેમજ જયરાજસિંહ જાડેજા કહેવામાં આવ્યું કે, આ વિવાદ હવે પૂર્ણ થયેલ છે.