AhmedabadGujarat

હવામાન વિભાગે વરસાદને લઈને કરી મોટી આગાહી, આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ

દેશભરમાં ચોમાસું કહેર વર્તાવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 26 જુલાઈ સુધી પશ્ચિમ તટ પર અને 25-27 જુલાઈ દરમિયાન તેલંગણા અને આંધ્ર પ્રદેશમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. આઈએમડીએ દ્વારા 26 થી 27 જુલાઈ દરમિયાન પૂર્વ મધ્ય ભારતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવા 28 થી 30 જુલાઈ વચ્ચે પૂર્વ ભારતમાં પણ વરસાદ જોવા મળશે. આઈએમડીના જણાવ્યાં અનુસાર 26 થી 29 જુલાઈ સુધી ભારતના અનેક રાજયોમાં ભારે વરસાદ જોવા મળશે.

તેની સાથે ગુજરાતમાં બે દિવસ બાદ વરસાદનું જોર વધવાનું છે. પાંચ ઓગસ્ટ સુધી ભેજની અસરથી પશ્ચિમ ભારત પર અસર જોવા મળશે. તેના લીધે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદની પરિસ્થિતિ અને આગાહી અંગે માહિતી આપતા IMD ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આગામી અઠવાડિયામાં રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા રહેલી છે. તેની સાથે સરદાર સરોવર ડેમમાં 70 ટકા જેટલો પાણીનો સંગ્રહ ભરાયો હોવાની જાણકારી સરોવર નર્મદા નિગમ લિ. ના અધિકારી દ્વારા આપવામાં આવી છે.

તેની સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદના ચોથા રાઉન્ડની આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં 27 જુલાઈથી વરસાદનું જોર વધશે. 27 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી પવન ભેજનું પશ્ચિમ ભારત ઉપર અસર જોવા મળશે. તેના લીધે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાટ્રના ભાગોમાં ભારે વરસાદ જોવા મળશે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઓગસ્ટના પહેલા અઠવાડિયામાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની નદીઓમાં પૂરની સ્થિતિ દેખાશે. સાબરમતી નદી બે કાંઠે વહેવાની આગાહી કરી છે. જ્યારે તાપી અને નર્મદાના જળ સ્ત્રાવમાં પણ વધારો જોવા મળશે.