ઓડિશા ટ્રેન દુર્ઘટના અંગે મોટો ખુલાસો, રાજીનામા મામલે રેલવે મંત્રી કઈ ન બોલ્યા
બાલાસોરમાં ગઈ કાલે એટલે કે શુક્રવારે સાંજે થયેલી મોટી ટ્રેન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 288 લોકોના મોત થયા છે અને મૃત્યુઆંક વધી રહ્યો છે. અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો થયો છે. કમિશનર રેલ સેફ્ટીએ અકસ્માતની તપાસ કરી છે અને કહ્યું છે કે પ્રાથમિક તપાસમાં વ્યવસ્થિત નિષ્ફળતા સામે આવી છે. આ પછી ઘણા અધિકારીઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે.
પીએમ મોદી આજે ઓડિશા જશે અને ઘટનાસ્થળની મુલાકાત લેશે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્યના સીએમ નવીન પટનાયક ઘટનાસ્થળે પહોંચી ગયા છે.જો કે ત્રણેય ટ્રેનો એકબીજા સાથે કેવી રીતે અથડાઈ તે હજુ સુધી ચોક્કસ જાણી શકાયું નથી. પ્રારંભિક અહેવાલોમાં જણાવાયું હતું કે ડાઉન લાઇન પર બેંગલુરુ-હાવડા ટ્રેન સાંજે 6.55 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી અને અપ લાઇન પર કોરોમંડલ સાંજે 7 વાગ્યે. કોરોમંડલના પાટા પરથી ઉતરી ગયેલા ડબ્બા પહેલા બેંગલુરુ-હાવડા અને પછી માલસામાન ટ્રેન સાથે અથડાયા, જેના કારણે અકસ્માત થયો.
આ સાથે જ દુર્ઘટના બાદ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવના રાજીનામાની માંગણી તેજ થઈ ગઈ છે. રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવારે કહ્યું કે અગાઉ જ્યારે આવા અકસ્માતો થતા હતા ત્યારે રેલવે મંત્રી રાજીનામું આપી દેતા હતા. પરંતુ હવે કોઈ બોલવા તૈયાર નથી.તૃણમૂલના પ્રવક્તા સાકેત ગોખલેએ જણાવ્યું હતું કે, કથિત સિગ્નલ નિષ્ફળતાને કારણે 3 ટ્રેનો દુર્ઘટનાગ્રસ્ત થઈ છે. આ ગંભીર પ્રશ્નો છે જેનો જવાબ આપવાની જરૂર છે.”
ઘટનાસ્થળે પહોંચેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે દુર્ઘટનાગ્રસ્ત બોગીઓનું નિરીક્ષણ કર્યું હતું, રાહત કામગીરીની સમીક્ષા કરી હતી અને બચાવ કામગીરીમાં જોડાયેલા અધિકારીઓને મળ્યા હતા, પરંતુ પ્રશ્નોથી દૂર ભાગતા પણ જોવા મળ્યા હતા. મીડિયા સાથે વાતચીત દરમિયાન તેઓ મોટાભાગના સવાલોના જવાબ આપવાનું ટાળતા જોવા મળ્યા હતા. અનેક સવાલોના જવાબમાં તેમણે એટલું જ કહ્યું કે તેઓ જોશે, તેમના અધિકારીઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. તેમણે ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે, તેથી તેઓ તેમના રાજીનામાના પ્રશ્ન પર મૌન રહ્યા.