અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી નવ લોકોનો ભોગ લેનાર તથ્ય પટેલની રેગ્યુલર જામીન અરજી પર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે. જ્યારે કોર્ટ આજે પ્રજ્ઞેશ પટેલની વચગાળાની જામીન અરજી પર પણ ચુકાદો આપી તેવી શક્યતા છે. આ અગાઉ પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પણ સુનાવણી દરમિયાન કોર્ટ દ્વારા બંન્ને પક્ષોની દલીલો સાંભળી ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. પ્રજ્ઞેશ પટેલ દ્વારા કેન્સરની બિમારીનું કારણ દર્શાવી વચગાળાના જામીનની માંગ કરવામાં આવી હતી.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં વકીલ નિસાર વૈદ્ય દ્વારા તથ્ય પટેલના રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી છે. તેના પર આજે સુનાવણી યોજવામાં આવશે. આ દરમિયાન તથ્ય પટેલને થયેલી ઈજાના કાગળો પણ રજૂ કરવામાં આવશે. તેની સાથે કોર્ટ દ્વારા જે શરતે જામીન આપવામાં આવે તે શરતને પણ સ્વીકારવાની તૈયારી આરોપી દર્શાવવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે, તથ્ય પટેલ હાલમાં સાબરમતિ જેલમાં બંધ રહેલ છે.
તમને જણાવી દઈએ કે, ઇસ્કોન બ્રિજના આરોપી તથ્ય પટેલ દ્વારા 6 મહિનામાં જ 3 અકસ્માત સર્જવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેના દ્વારા ટ્રાફિક ગુનાઓ આચરવાના લીધે આરટીઓ દ્વારા તેનું લાયસન્સ આજીવન માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, 10 ઓગસ્ટની રાત્રીના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. જ્યારે આ અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ભેગા થયેલા હતા. તે સમયે કર્ણાવતી ક્લબ તરફથી ફૂલ ઝડપે આવી રહેલી કાર દ્વારા અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લેવામાં આવતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે આ અકસ્માતમાં 10 થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તથ્ય પટેલ દ્વારા આ અકસ્માત સર્જવામાં આવ્યો હતો. તેના કેસમાં હાલમાં તે જેલમાં રહેલ છે.