છોકરીનો જન્મ થાય તો આ ડૉક્ટર ફી નથી લેતા, વડાપ્રધાન મોદીએ પણ કર્યા વખાણ

દેશમાં આજે National Doctor’s Day ની ઉજવણી કરવામાં આવી રહી છે. તેની શરૂઆત 1લી જુલાઈ 1991ના રોજ કરવામાં આવી હતી, આ દિવસ પ્રખ્યાત ચિકિત્સક ડૉ. બિધાન ચંદ્ર રોયના સન્માનમાં ઉજવવામાં આવે છે. આ દિવસ તે તમામ ડોકટરોને સમર્પિત છે જેઓ રાત-દિવસ લોકોની સેવા કરવા તત્પર છે. આ વર્ષે ડોક્ટર્સ ડેની થીમ ‘સેલિબ્રેટિંગ રિઝિલિયન્સ એન્ડ હીલિંગ હેન્ડ્સ’ છે. બાળકના જન્મથી લઈને વૃદ્ધાવસ્થા સુધી દરેક વ્યક્તિને સ્વસ્થ રાખવામાં ડોક્ટરોની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ છે. અહીં અમે તમને એવા ડૉક્ટરો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેઓ છોકરીઓના જન્મ માટે કોઈ ફી નથી લેતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી ABBS અને MDનો અભ્યાસ કરનાર ડૉ.શિપ્રા ધરની પ્રશંસા કરી છે. ડૉ. શિપ્રા ધર તેમના પતિ એમ કે શ્રીવાસ્તવ સાથે વારાણસીમાં નર્સિંગ હોમ ચલાવે છે. ડો. શિપ્રા ધર સ્ત્રી ભ્રૂણ હત્યા રોકવા અને છોકરીઓને પ્રોત્સાહન આપવા માટેના ઘણા અભિયાનો સાથે પણ જોડાયેલા છે. તે પોતાના નર્સિંગ હોમમાં દીકરીના જન્મ માટે એક પણ રૂપિયાની ફી લેતી નથી. પીએમ મોદીએ વારાણસીમાં શિપ્રા ધર સાથે પણ મુલાકાત કરી હતી.
પૂણેના ડૉક્ટર ગણેશ રાઠ પણ દીકરીઓના જન્મ માટે એક રૂપિયો ફી લેતા નથી. ડોક્ટર ગણેશ રાઠ પણ લોકોને સ્ત્રી ભ્રૂણ હત્યા અંગે જાગૃત કરે છે. ડો. ગણેશ રાઠે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે છોકરો જન્મે ત્યારે લોકો ખુશીથી હોસ્પિટલ આવીને બિલ ચૂકવતા હતા, પરંતુ જ્યારે છોકરીનો જન્મ થાય છે ત્યારે લોકો દુઃખી થઈ જતા હતા. જે બાદ તેણે દીકરીઓના જન્મ માટે લોકો પાસેથી ફી લેવાનું બંધ કરી દીધું અને ‘બેટી બચાવો જન આંદોલન’માં જોડાયા.