દુઃખદ ઘટના : હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે પર ટ્રેલરની અડફેટે આવતા બાઈક સવાર દંપતિનું કરૂણ મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે મોડાસાના દાવલી થી આવી ઘટના સામે આવી છે.
જાણકારી મુજબ, મોડાસાના દાવલી માં મામાના ઘરે મહેમાનગતિ માણવા માટે બાઇક પર અમદાવાદ પરત આવી રહેલા દંપતીને હિંમતનગર-શામળાજી નેશનલ હાઈવે ઉપર ગઢડા કંપા ગામમાં સામે આવી રહેલા ટ્રેલર ચાલક દ્વારા અડફેટે લેતા બાઇક ચાલક પતિનું ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે પત્નીનું અમદાવાદ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. તેના લીધે બારોટ પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું હતું. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક વાહન મુકીને નાસી ગયો હતો. આ મામલામાં મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અમદાવાદ ના દંપતીનું મૃત્યુ થતાં તેમનો એક વર્ષના પુત્ર ના માથેથી માતા-પિતાની છત્રછાયા છિનવાતા પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
તમને જણાવી દઈએ કે, અમદાવાદથી મોડાસાના દાવલી માં મામાના ઘરે આવેલા અવિનાશભાઈ બારોટ અને તેમના પત્ની ક્રિષ્નાબેન બારોટ બંને સોમવારના મહેમાનગતિ માણ્યા બાદ સાંજના સમયે બાઈક લઈને અમદાવાદ આવી રહ્યા હતા. એવામાં હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે ઉપર આવેલા ગઢડા કંપા ગામની સીમમાંથી દંપતી જઈ રહ્યું હતું. તે સમયે સામેથી આવી રહેલા ટ્રેલર ચાલક દ્વારા બાઇકને સામેથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.
તેની અકસ્માત સર્જાતા જ અવિનાશભાઈ રાજેશભાઈ બારોટ શરીરના ભાગમાં ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ક્રિષ્નાબેન બારોટને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યાંથી વધુ સારવાર માટે તેમને અમદાવાદ ની અસારવાની જૂની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં તેમનું મોડી રાત્રીના સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. મૃતકના ભાઈ કર્તવ્ય કુમાર રાજેશભાઈ બારોટ દ્વારા મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં આ મામલામાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.