SaurashtraGujaratRajkot

ક્ષત્રિય મહાસંમેલનમાં તૃપ્તિબા રાઓલે પુરુષોત્તમ રૂપાલાના વિવાદને લઈને આપ્યું મોટું નિવેદન

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેના હેઠળ 14 એપ્રિલ ના રાજકોટના રતનપરમાં ક્ષત્રિયોનું અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓ સિવાય રાજસ્થાન અને મહારાષ્ટ્ર માંથી પણ ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. રતનપરમાં મહાસંમેલનનું આયોજન કરાયું હતું.

આ દરમિયાન ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનને સંબોધન કરતા તૃપ્તિ બા રાઓલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આપણા જ સમાજના અમુક આગેવાનો આપણ ને સમજાવવા માટે આવ્યા હતા પરંતુ આપણે તેમનો પણ આદર કરીએ છે કારણ કે એમની પણ કોઈ મર્યાદા રહેલી હશે. તેમ છતાં અંદરથી તો એ આગેવાનો પણ આપણી સાથે જ રહેલ છે કારણ કે આખરે તો આપણા બધાનું ગોત્ર એક જ રહેલ છે.

તૃપ્તિ બા રાઓલ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “પાર્ટીમાં વિખવાદ હોય તો બેઠક પર જાહેર થયેલા ઉમેદવાર બદલી નાખવા આવે છે, રાતોરાત મંત્રીમંડળ પણ બદલવામાં આવે છે. જ્યારે બહેન-દીકરીઓ પર નિમ્ન કક્ષાની ટિપ્પણી કરનાર રૂપાલાને કેમ બદલવામાં આવતા નથી. શું તમે એવો સંદેશ આપવા ઈચ્છી રહ્યા છો કે,  સત્તા પર બેસવા માટે આવા રાજકારણીઓ જ્ઞાતિ-જાતિ ની બહેન-દીકરી ઓ વિશે ગમે તે નિવેદન બોલી જાય. વધુમાં જણાવ્યું કે, અહીંયા ઘણા બધા મોદી સાહેબના ચાહકો રહેલા હશે, અત્યારે ગામે ગામે ‘મેં ભી મોદી કા પરિવાર’ મુહિમ ચાલી રહી છે. આપણે પણ મોદી કા પરિવાર અને મોદી સાહેબની બહેન-દીકરીઓ પર ટિપ્પણી થયેલ છે ત્યારે મોદી સાહેબ આ બાબતમાં શું જવાબ આપશે. મને ઘણા મીડિયા કર્મચારીઓ દ્વારા પૂછવામાં આવ્યું છે કે, રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આગળ તમે શું કરશો? મેં જણાવ્યું કે, હવે તો કેસરિયા કરીને નીકળી ગયેલા છીએ. પરિણામ જે પણ આવે પણ લડી લેવાની તૈયારી રહેલી છે. જ્યારે એક વાત સ્પષ્ટ છે કે, સ્વાભિમાન સાથે સમાધાન નહીં અને સ્વમાનના ભોગે પણ રાજકારણ નથી.