India

જમ્મુ અને કાશ્મીર: આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેનાના બે અધિકારીઓ અને એક ડીએસપી શહીદ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બુધવારે આતંકવાદીઓ સાથેની અથડામણમાં ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસને મોટું નુકસાન થયું છે. ગોળીબારમાં એક કર્નલ, એક મેજર અને એક ડીએસપી શહીદ થયા છે.અનંતનાગ જિલ્લાના કોકરનાગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.

આ સમય દરમિયાન, સેનાની રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટના કમાન્ડિંગ ઓફિસર (કર્નલ), એક કંપની કમાન્ડર (મેજર) અને જમ્મુ અને કાશ્મીર પોલીસના એક ડીએસપીનું ગોળી વાગવાથી મૃત્યુ થયું હતું. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે.સેનાના અધિકારીઓએ જણાવ્યું કે ગોળીબારમાં કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશિષ અને જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી હુમાયુ ભટ ગંભીર રીતે ઘાયલ થયા છે. બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.

સુરક્ષા દળોને બાતમી મળી હતી કે કોકરનાગ વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા છે. આ પછી સેના અને પોલીસની ટીમ આતંકીઓને શોધવા માટે ઘટનાસ્થળે પહોંચી હતી. સેનાના અધિકારીઓ સામેથી સૈનિકોનું નેતૃત્વ કરી રહ્યા હતા. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહ અને એડીજીપી કાશ્મીર વિજય કુમાર ઓપરેશન પર નજર રાખવા માટે સેનાના જવાનો સાથે એન્કાઉન્ટર સ્થળ પર પહોંચી ગયા છે.

સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ સુરક્ષા જવાનોની ટીમ એક છુપા ઠેકાણા પર આતંકીઓનો પીછો કરી રહી હતી. જેમ તેઓ એક બિલ્ડીંગ પર ચઢ્યા કે અંદર છુપાયેલા 2-3 આતંકવાદીઓએ ગોળીબાર શરૂ કરી દીધો. કર્નલનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે અધિકારીઓને ગોળીઓ વાગી હતી. તેમને હેલિકોપ્ટરની મદદથી શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. આતંકવાદીઓ લશ્કરના પ્રોક્સી “ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ” ના હતા. જમ્મુ-કાશ્મીરના ડીએસપી હુમાયુ મુઝમ્મિલ ભટ્ટના અંતિમ સંસ્કાર બુધવારે સાંજે બડગામમાં કરવામાં આવ્યા હતા.