GujaratNorth Gujarat

બે યુવતી કેનાલમાં એકસાથે કૂદી પડી, બંને પાંચ મહિના પહેલાં સાથે નોકરીએ લાગી હતી

ગાંધીનગરના નભોઈ કેનાલ પર ગત રાત્રે એક અત્યંત દુખદ ઘટના સામે આવી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરતી બે યુવતીઓએ અજાણ્યા કારણોસર કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા (Suicide) કરી લીધી હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ (Fire Brigade)ની ટીમે તાત્કાલિક સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું અને કલાકોની શોધખોળ બાદ ઝુંડાલ કેનાલ પાસેથી બંને યુવતીઓના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા.

મૃતક યુવતીઓની ઓળખ સેજલ જશવંતભાઈ પટેલ (ઉંમર 26, રહે. નરોડા, અમદાવાદ) અને રિપલ રાકેશભાઈ રાવત (ઉંમર 24, રહે. થલતેજ, અમદાવાદ) તરીકે થઈ છે. માહિતી મુજબ બંને યુવતીઓ રાત્રિના સમયે નભોઈ કેનાલ પર પહોંચી હતી. કેનાલમાં ઝંપલાવતાં પહેલાં બંનેએ પોતાના પરિવારજનોને ફોન કરીને આપઘાત કરવા જઈ રહી હોવાની વાત કરી હતી. અચાનક મળેલા આ ફોનથી પરિવારજનો ગભરાઈ ગયા હતા અને તાત્કાલિક કેનાલ તરફ દોડી આવ્યા હતા. સાથે જ સમગ્ર ઘટનાની જાણ પોલીસ (Police)ને પણ કરવામાં આવી હતી.

માહિતી મળતા જ અડાલજ અને ગાંધીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. રાત્રિના અંધકારમાં જ ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે કેનાલમાં શોધખોળ શરૂ કરી હતી. પાણીનો પ્રવાહ વધુ હોવાથી બંને યુવતીઓ તણાઈ ગઈ હતી અને બાદમાં તેમના મૃતદેહ ઝુંડાલ કેનાલ વિસ્તારમાંથી મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ (Postmortem) માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને યુવતીઓ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાથે નોકરી કરતી હતી અને તેમની વચ્ચે નજીકની મિત્રતા પણ હતી. જોકે, બંનેએ આટલું ગંભીર પગલું કેમ ભર્યું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. નોકરીનું દબાણ, અંગત સમસ્યા કે અન્ય કોઈ કારણ જવાબદાર છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ (Police Investigation) શરૂ કરવામાં આવી છે.

સૂત્રો મુજબ બંને યુવતીઓ તાજેતરમાં જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી થઈ હતી. જેમાં એક યુવતી વ્યવસાયવેરા વિભાગમાં ફરજ બજાવતી હતી, જ્યારે બીજી મહેકમ વિભાગમાં નોકરી કરતી હતી. બંને આશરે ચારથી પાંચ મહિના પહેલા કાયમી કારકુન તરીકે જોડાઈ હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બંને યુવતીઓ ગઈકાલે નિયમિત રીતે નોકરી પર ગઈ હતી. સામાન્ય રીતે તેઓ સાંજે સાડા સાત વાગ્યા સુધી ઘરે પરત આવી જતી હતી. આ દરમિયાન સેજલની તેની માતા સાથે વાતચીત પણ થઈ હતી, પરંતુ ત્યારબાદ તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો. પરિવારજનોને શંકા થતાં તેમણે રિપલને પણ ફોન કર્યો હતો. અંતે બંને યુવતીઓનો સંપર્ક ન થતાં પરિવારજનો તેમને શોધવા માટે સીધા નભોઈ કેનાલ વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાંથી સમગ્ર ઘટનાનો ભેદ ખુલ્યો હતો.