રાજ્યમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત રહેલો છે. એવામાં આવી જ એક બાબત અમદાવાદથી સામે આવી છે. અમદાવાદના મણીનગરમાં વ્યાજે લીધેલા પૈસા પરત ન આપતા વ્યાજખોરો દ્વારા વ્યક્તિને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં મણિનગર પોલીસ દ્વારા ફરાર ત્રણ આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે, સોમવારના એટલે 19 તારીખના રોજ અમદાવાદના મણિનગરમાં આવેલ ઝીરાફ સર્કલ નજીક જાહેરમાં લલિત ગગનાની નામના યુવકની તલવાર અને છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હોવાનો મામલો સામે આવ્યો હતો. જ્યારે આરોપી હત્યા કરીને નાસી ગયા હતા. આ મામલામાં મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે આ મામલામાં જાણકારી સામે આવી છે કે, મૃતક લલિત ગગનાની દ્વારા આરોપી ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે જય ભોલે પાસે થી પાંચ હજાર રૂપિયા વ્યાજે લેવામાં આવ્યા હતા. આ પૈસા પરત ન આપતા 18 મી તારીખના રોજ બંને વચ્ચે માથાકૂટ પણ થઈ હતી.
એવામાં 19 તારીખના રોજ મૃતક લલિત ગગનાની પોતાના મિત્રો સાથે મણીનગર માંથી જઈ રહ્યો હતો. તે સમયે ઝીરાફ સર્કલ નજીક આરોપી ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે જય ભોલે અને કૈલાસા સહિતના ત્રણ વ્યક્તિઓ દ્વારા તેને ઉભો રાખીને વ્યાજે આપેલા પૈસા બાબતમાં ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ આ ત્રણેય વ્યક્તિઓ દ્વારા તલવાર અને છરીના ઘા મારી હત્યા કરીને નાસી ગયો હતો. આ ઘટનાની જાણકારી મળતા મણીનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી આ મામલામાં કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલામાં ફરિયાદ દાખલ કરી ફરાર ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે જય ભોલે અને કૈલાસા સહીતના ત્રણ વ્યક્તિઓની તપાસ હાથ ધરવામાં આવી છે.