વડોદરા શહેરના પાદરા તાલુકામાં એક નશેડી પત્નીએ તેના પતિની હત્યા કરી હતી જેમાં કોર્ટે સજા સંભળાવી છે. પાદરા તાલુકાના ઉમરાયા ગામમાં રાજેશ માળીની તેની જ નશેડી પત્નીએ હત્યા કરી હતી. આ કેસ વડોદરા જિલ્લા સત્ર ન્યાયાધીશની કોર્ટમાં ચાલતો હતો. કોર્ટે હત્યા કરનાર પત્ની પુનીને આજીવન કેદની સજા તેમજ 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર, મૃતક રાજેશ માળીના વિધવા માતા નર્મદાબેને ગત વર્ષે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અને જણાવ્યું હતું કે, તેમના પુત્ર રાજેશ માળીના પ્રથમ લગ્ન કર્યા હતા ત્યાંથી છૂટાછેડા થયા બાદ સાત વર્ષ પહેલા ઉમરાયા ખાતે વસવાટ કરતા બુધા સદા માળીની પુત્રી પુની સાથે બીજા લગ્ન કર્યા હતા. લગ્ન થયાના એક મહિનામાં જ પુનીએ ઘરમાં બોલાચાલી શરૂ કરી દીધી હતી.
રાજેશ માળીના માતા નર્મદાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા દીકરાની પત્ની સતત અલગ રહેવાની જીદ કરતી હતી. અને તેને લઈને ઝઘડા પણ કરતી હતી. જેને કારણે બંને પતિ-પત્ની પાદરા ખાતે આવેલ હાઉસિંગ બોર્ડના મકાનમાં રહેવા ગયા હતા. ત્યારબાદ મારા પુત્રની પત્ની પુની રોન દારૂ પીને તેના પતિ રાજેશ સાથે ઝઘડો કરતી હતી. અને રાજેશને પણ પરાણે દારૂ પીવડાવતી હતી. લગ્ન જીવન દરમિયાન તેમને એક પુત્રનો પણ થયો હતો. પત્ની પુની અવારનવાર ઝઘડાઓ કરીને પોતાના પીયર જતી રહેતી હતી. એક વખત તે ઝઘડો કરીને તેણે ધમકી આપી હતી કે તે તેના પતિ રાજેશ અને પુત્ર વિશાલની હત્યા કરી નાખશે.
જો કે, હત્યાની ધમકી આપ્યા બાદ બન્ને પતિ-પત્નીનું સમાધાન થતા રહેવા લાગ્યા હતા. પંરતુ પુનીના ભાઈએ ગત 5મી ઓગસ્ટ 2020ના રોજ ફોન કર્યો હતો. અને જણાવ્યું કે, રાજેશનું દારૂ પીને પડી જતા મોત નીપજ્યું છે. ત્યારબાદ રાજેશનો મૃતદેહ મારા ઘરે લઈને આવ્યા હતા. રાજેશના મૃતદેહ પર ઇજાના નિશાન જોઇને મને હત્યા થઈ હોવાની શંકા જતા પોસ્ટમોર્ટમ કરાવ્યું હતુ. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યુ હતુ કે, રાજેશને છાતીના ડાબા ભાગે માર વાગ્યો છે અને ફેફસામાં પાંસળીનું હાડકું તૂટીને ઘૂસી ગયુ હતુ.
નોંધનીય છે કે, આ પ્રકારનો રિપોર્ટ આવતા જ પોલીસે રાજેશની પત્નીની કડકાઇપૂર્વક પૂછપરછ કરી હતી. પોલીસની આ પૂછપરછ દરમીયાન પત્નીએ પોતે જ તેના પતિને મારી નાંખ્યો હોવાની કબૂલાત કરી લીધી હતી. પત્નીએ પોલીસ સામે કબુલ્યું હતુ કે, તેણે પતિ રાજેશને ખૂબ માર માર્યો હતો અને તેની છાતી પર પણ બહુ જ લાતો મારી હતી.
તમને જણાવી દઈએ કે, વડોદરા જિલ્લા સત્ર ન્યાયાધીશની કોર્ટમાં આ કેસ ચાલતો હતો. જેમાં હત્યા કરનાર પત્ની પુનીને કોર્ટે આજીવન કેદની સજા તેમજ 25 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યા છે.