GujaratMadhya Gujarat

વડોદરા: શિક્ષિકા આપઘાતને લઈને થયો ચંકાવનારો ખુલાસો, 3 દિવસમાં મિત્ર એ 40 ફોન કર્યા હતા અને પછી…

વર્ષ 2019માં એક શિક્ષિકાએ વડોદરાના સાવલી તાલુકાની મહીં નદીમાં કૂદકો મારીને આત્મહત્યા કરી હતી. અને બાદમાં સાવલી તાલુકાના લાછનપુર ગામની મહી નદીમાંથી તે શિક્ષિકાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે બે વર્ષ બાદ શિક્ષિકાની આત્મહત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. સાવલી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા કરનાર શિક્ષિકાના પતિએ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં શિક્ષિકાના પતિએ આક્ષેપ કર્યો છે કે, ત્રણ દિવસ સુધી તેની પત્નીના મિત્રએ 40 ફોન કર્યા હતા. જેના કારણે તેની પત્નીએ આત્મહત્યા કરી હતી.

મળતી માહિતી અનુસાર, આત્મહત્યા કરનાર શિક્ષિકાનું નામ ભાર્ગવીબેન છે. તેઓ વડોદરાના સમા-સાવલી રોડ નજીક આવેલ વેલેરીયન ફ્લેટમાં વસવાટ કરતા હતા. તા.29-11-2019ના રોજ શિક્ષિકા ભાર્ગવીબહેનનો મૃતદેહ સાવલી તાલુકાના લાછનપુર ગામેથી પસાર થતી મહી નદીમાંથી મળ્યો હતો. સાવલી પોલીસે આ ઘટનાને લઈને તે સમયે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન શિક્ષિકાના પતિ આશિષકુમાર સુથાર પણ ટેક્નોલોજીની મદદથી પત્નીના મોતનું કારણ શોધવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે પતિ આશિષકુમારને ચોંકાવનારી વિગતો મળી આવતા તેમણે બે વર્ષ બાદ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

પતિ આશિષકુમારે કરેલ પોલીસ ફરિયાદ અનુસાર, તા.27-11-019ના રોજ આશિષકુમાર કોઇમ્બતુર ગયા હતા. જ્યાંથી તેમણે પત્ની ભાર્ગવીબેનને ફોન કર્યો હતો. જો કે, ભાર્ગવીબેને ફોન ઉપાડ્યો ન હતો. ત્યારે તેમણે પોતાના સસરાને ફોન કરીને આ અંગે તપાસ કરવાનું કહ્યું હતું. ત્યારે સસરાએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ભાર્ગવીબેન ઘરે નથી અને ત્યારબાદ તેમણે તે જ સમયે સમા પોલીસને જાણ કરી હતી.

ત્યારબાદ પતિ આશિષકુમાર બીજે દિવસે એટલે કે તા. 28-11-019ના રોજ તાત્કાલિક વડોદરા પરત ફર્યો હતો. અને તેણે પત્નીનું મોબાઇલ લોકેશન તપાસ્યું હતું. ત્યારે લોકેશન લાછનપુર ગામની મહી નદીના કિનારાનું મળી આવ્યું હતું. 29-11-2019ના રોજ લોકેશનના આધારે તપાસ કરતા ભાર્ગવીબેનની લાશ મળી આવી હતી. તેમજ તેમની એક્ટિવા પણ ત્યાંથી મળી આવી હતી. આ ઘટનાને લઈને જે-તે સમયે સાવલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. તે સમયે ભાર્ગવીબેનનો મોબાઇલ બંધ થઇ ગયો હોવાથી હોવાથી કોઇ વિગત મળી ન હતી.

પતિએ પોતાની પત્નીના મોબાઈલની કોલ ડિટેઇલ કઢાવીને વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સંતરામપુરમાં વસવાટ કરતો નવિન લક્ષ્મણભાઇ મુનીયા તેની પત્નીને ફોન કરીને હેરાન કરતો હતો. અને ભાર્ગવીબેને આપઘાત કર્યો તે પહેલા નવીન લક્ષમણ ભાઈ મુનીયા સાથે 40 વખત ફોન પર વાત કરી હતી. તેમજ વધુ તપાસ કરતા તે તમામ વાતચીતનો ઓડિયો પણ મળી આવ્યો હતો. જેના આધારે પતિ આશિષકુમારે નવીન મુનિયાને પોતાની પત્નીના મોતનો જવાબદાર ગણાવીને તેની વિરુદ્ધ સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે હાલ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથધરી છે.