Gujarat

ગુજરાતના આ વિસ્તારોમાં 27 ઓક્ટોબર સુધી ભારે વરસાદ અને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી

ભારતીય હવામાન વિભાગ (IMD)એ અરબી સમુદ્રમાં સર્જાયેલી હવામાન પ્રણાલી અંગે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. પૂર્વ મધ્ય અરબી સમુદ્ર ઉપર એક ડિપ્રેશન (Depression) સક્રિય છે, જે આગામી 24 કલાકમાં ઉત્તર દિશામાં આગળ વધશે તેવી સંભાવના છે. તેના કારણે 27મી ઓક્ટોબર સુધી ભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

IMD, નવી દિલ્હીએ 25 ઓક્ટોબર 2025ના રોજ વહેલી સવારે 2:40 વાગ્યે જારી કરેલા રાષ્ટ્રીય બુલેટિન નં. 15 મુજબ, ડિપ્રેશન છેલ્લા 6 કલાક દરમિયાન 18 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર તરફ ખસ્યું છે. 24 ઓક્ટોબર રાત્રે 11:30 વાગ્યે તે અક્ષાંશ 16.2°N અને રેખાંશ 70.7°E નજીક કેન્દ્રિત હતું.

ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં 25થી 27 ઓક્ટોબર વચ્ચે અનેક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ, જ્યારે છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.25 અને 26 ઓક્ટોબરે ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર તેમજ ગુજરાતના કાંઠે પવનની ગતિ 35-45 કિમી/કલાકથી વધીને 55 કિમી/કલાક સુધી પહોંચી શકે છે.

જોરદાર પવનથી ઝાડની ડાળીઓ તૂટી શકે છે.ખેતી, બાગાયત અને ઊભા પાકને નુકસાન થવાની શક્યતા છે.કાચા મકાનો, ઝૂંપડીઓ અને રસ્તાઓને નાનું નુકસાન થઈ શકે છે.ભારે વરસાદથી માર્ગ અને રેલ વ્યવહાર પ્રભાવિત થઈ શકે છે.નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિક પૂર, જળબંબાકારની શક્યતા છે।

આગામી દિવસોમાં હવામાન વિભાગના તાજા બુલેટિન પર નજર રાખવાની અપીલ કરવામાં આવી છે।