વેવાઇ ખભે કોથળો નાંખી વેવાણની લાશ ફેંકતા આવ્યા, કારણ ગજબ
સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા કોસાડ આવાસ પાસે કોથળામાંથી મળેલી 55 વર્ષીય હમીદાખાતૂનની હત્યાનો ભેદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસ તપાસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે મૃતકના નાના પુત્ર પરવેઝ અને તેની ભાભી શબાના વચ્ચે પ્રેમસંબંધ (Love Affair) હતો. ઘરમાં પૈસાને લઈને થતા વિવાદ અને ઝઘડાથી કંટાળી બંનેએ હમીદાખાતૂનને રસ્તામાંથી દૂર કરવાની યોજના ઘડી હતી. ગત 10 માર્ચે ત્રણેય આરોપીઓએ મળીને હમીદાખાતૂનનું ગળું દબાવી હત્યા (Murder Case) કરી હતી. ત્યારબાદ લાશને એક દિવસ સુધી ઘરમાં જ છુપાવી રાખી 11 માર્ચે બપોરે કોથળામાં બાંધી હનુમાનજીના મંદિર નજીક ફેંકી દેવામાં આવી હતી.
આ હત્યાકાંડમાં શબાનાના પિતા ફિરોઝ આલમ પણ સામેલ હોવાનું બહાર આવ્યું છે. હત્યા બાદ તે બિહાર ભાગી ગયો હતો. જોકે ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ (Technical Surveillance) અને બાતમીના આધારે તપાસ તેજ કરી હતી. તપાસ દરમિયાન મૃતકના ઘરમાંથી લાશ બાંધવા માટે વપરાયેલી દોરી જેવી જ દોરી મળી આવતા પોલીસે પરવેઝ અને શબાનાની કડક પૂછપરછ કરી હતી. અંતે બંને આરોપીઓ ભાંગી પડ્યા અને ગુનાની કબૂલાત કરી લીધી. ત્યારબાદ ફરાર ફિરોઝ આલમને બિહાર એસટીએફની મદદથી પટના રેલવે સ્ટેશન નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલમાં પોલીસે પરવેઝ, શબાના અને ફિરોઝ આલમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
આ કેસમાં મહત્વની કડી તે હતી કે લાશ જે કોથળામાં બાંધવામાં આવી હતી તેમાં હાથ-પગ બાંધવા માટે જે દોરીનો ઉપયોગ થયો હતો, તેવી જ દોરી મૃતકના ઘરમાંથી મળી આવી હતી. આથી પોલીસને શંકા ગઈ કે હત્યા ઘરના જ કોઈ સભ્યે કરી હોઈ શકે છે.
ક્રાઈમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની ટીમે જ્યારે પરિવારના સભ્યોની પૂછપરછ શરૂ કરી ત્યારે તેમના નિવેદનોમાં વિરોધાભાસ જોવા મળ્યો હતો. જેના આધારે પરવેઝ અને શબાનાની ઘનિષ્ઠ પૂછપરછ કરવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું કે પરવેઝ અને તેની ભાભી શબાના વચ્ચે પ્રેમસંબંધ હતો અને સાસુ હમીદાખાતૂન આ બાબતે તેમજ પૈસાને લઈને વારંવાર ઝઘડા કરતી હતી, જેના કારણે બંનેએ હત્યાનું કાવતરું ઘડ્યું હતું.
આરોપી પરવેઝ અપરિણીત છે અને આખું પરિવાર સંયુક્ત રીતે સાથે રહેતું હતું. આરોપીઓએ કબૂલાત કરી કે શબાનાના પિતા ફિરોઝ આલમને બિહારથી બોલાવી ત્રણેયે મળીને હત્યા કરી હતી. હત્યા બાદ ફિરોઝ આલમ ફરી બિહાર ભાગી ગયો હતો, જેને પટના રેલવે સ્ટેશન પાસેથી ઝડપી લેવામાં આવ્યો.
ડીસીપી ભાવેશ રોઝિયાએ જણાવ્યું હતું કે 11 માર્ચે સવારે લગભગ 11 વાગ્યે અમરોલી વિસ્તારના કોસાડ આવાસમાં એચ-2 પાસે આવેલા હનુમાનજી મંદિર નજીક સફાઈ કામદારોને એક શંકાસ્પદ કોથળો મળ્યો હતો. કોથળો ભારે લાગતા તેને તપાસતા અંદરથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકના હાથ-પગ દોરીથી બાંધેલા હતા, જેના કારણે આ પ્રાથમિક રીતે અનડિટેક્ટ મર્ડર (Undetected Murder) હોવાનું લાગી રહ્યું હતું. ત્યારબાદ ક્રાઈમ બ્રાન્ચ અને અમરોલી પોલીસની વિવિધ ટીમોએ તપાસ શરૂ કરી અને આખરે સમગ્ર હત્યાકાંડનો ભેદ ઉકેલી કાઢ્યો.