India

વોટ આપ્યા પછી લગાવવામાં આવતી સહી કેમ જલ્દી જતી નથી?

દેશમાં હમણાં ચુંટણીનું વાતાવરણ છે. 5 રાજ્યમાં વિધાનસભાની ચુંટણી ચાલી રહી છે. તેમ અમુક જગ્યાએ વોટિંગ થઈ ગયું છે તો અમુક જગ્યાએ હજી બાકી છે. મતદાતા જ્યારે પણ વોટ આપવા માટે જાય છે તો તેમના હાથની આંગળી પર બ્લ્યુ સહી લગાવવામાં આવે છે. આ સહી લાંબા સમય સુધી જતી નથી. આવું એટલા માટે કરવામાં આવે છે કે જેથી એક જ વ્યક્તિ ફરીથી વોટ આપે નહીં.

દરમિયાન, સોશિયલ મીડિયા પર એક પ્રશ્ન ઊભો થયો કે મતદાન કરતી વખતે આંગળી પર જે શાહી લગાવવામાં આવે છે તે આટલી સરળતાથી કેમ ભૂંસાઈ નથી જતી? આમાં શું થાય છે કે તે લાંબા સમય સુધી આંગળી પર રહે છે અને પછી તેની જાતે જ ગાયબ થઈ જાય છે. આજે અમે તમને આ વોટિંગ શાહી સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો જણાવવા જઈ રહ્યા છીએ.

ચૂંટણીમાં વપરાતી શાહી ભારતમાં માત્ર એક કંપની દ્વારા બનાવવામાં આવે છે. આ કંપનીનું નામ મૈસૂર પેઇન્ટ એન્ડ વાર્નિશ લિમિટેડ છે. આ કંપની રિટેલમાં વોટિંગ બ્લુ શાહીનું વેચાણ કરતી નથી. તેને માત્ર સરકાર કે ચૂંટણી સંબંધિત એજન્સીઓ જ ખરીદી શકે છે. આ એકમાત્ર કંપની છે જે સમગ્ર ભારતમાં મતદાન માટે ઈન્ડિગોની શાહી સપ્લાય કરે છે.

મૈસૂર પેંટ એન્ડ વાર્નિશ લિમિટેડની પાસે 1962થી રાષ્ટ્રીય અનુસંધાન વિકાસ નિગમ દ્વારા વિશેષ લાયસન્સ આપવામાં આવ્યું છે. આ વર્ષે ECIએ કેન્દ્રીય કાનૂન મંત્રાલય, રાષ્ટ્રીય ભૌતિક પ્રયોગશાળા અને આ નિગમની મદદથી કંપની સાથે ચુંટણીમાં સહી સપ્લાય કરવા માટેનો કોન્ટ્રેક્ટ સાઇન કર્યો હતો. આ કંપની ભારત સિવાય બીજા દેશોમાં પણ ચુંટણી માટેની સહી સપ્લાય કરે છે.

આ બ્લુ વોટિંગ શાહી સિલ્વર નાઈટ્રેટ કેમિકલ મિક્સ કરીને બનાવવામાં આવે છે. આ શાહીમાં હાજર સિલ્વર નાઈટ્રેટ શરીરમાં હાજર મીઠા સાથે જોડાઈને સિલ્વર ક્લોરાઈડ બનાવે છે. જ્યારે આ સિલ્વર ક્લોરાઇડ પાણીમાં ઓગળી જાય છે, ત્યારે તે ત્વચા સાથે જોડાયેલ રહે છે. જો શાહી પાણીના સંપર્કમાં આવે છે, તો તે વાદળીમાંથી કાળી થઈ જાય છે. આ શાહી ઝડપથી ઝાંખી થતી નથી.

શાહી ઝાંખી થવામાં ઓછામાં ઓછા 72 કલાક લાગે છે. વાસ્તવમાં, આ સમયગાળામાં, ત્વચાના કોષો જૂના થઈ જાય છે અને ઉતરવા લાગે છે, જેના કારણે શાહી ધીમે ધીમે દૂર થવા લાગે છે. આ શાહીને ચૂંટણીની શાહી અથવા અદમ્ય શાહી પણ કહેવામાં આવે છે. ભારતમાં પ્રથમ ચૂંટણી વખતે શાહી લગાવવાનો કોઈ નિયમ નહોતો. પરંતુ રિવોટિંગ રોકવાના હેતુથી 1962ની ચૂંટણીથી તેનો અમલ કરવામાં આવ્યો હતો.