પાટણ: દલિત સમાજના બાળકે ક્રિકેટ બોલને હાથ લગાવ્યો તો લોકોએ તેને માર માર્યો, પિતાનો અંગૂઠો પણ કાપી નાખ્યો
પાટણ જિલ્લામાં કેટલાક લોકોએ દલિત છોકરાના પિતાનો અંગૂઠો કાપી નાખ્યો હતો. આ ઘટના રવિવારની છે. પાટણ જિલ્લાના કાકોશી ગામની એક શાળામાં ચાલી રહેલી મેચ દરમિયાન એક બાળકે ક્રિકેટ બોલ ને હાથ લગાવ્યો હતો તે બાદ બોલાચાલી થઈ હતી અને લોકોના એક જૂથે કથિત રીતે બાળકના પિતાનો અંગૂઠો કાપી નાખ્યો હતો.
પોલીસે પીડિતની ઓળખ કીર્તિ પરમાર તરીકે કરી છે. કીર્તિના ભાઈ ધીરજકુમાર પરમાર સાથે પણ મારપીટ કરવામાં આવી હતી. તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી, ત્યારબાદ પોલીસે આ મામલે એફઆઈઆર નોંધી. સિદ્ધપુર ડીએસપી કેકે પંડ્યાએ જણાવ્યું કે પોલીસે 7 લોકોની ધરપકડ કરી છે.
ધીરજ કુમાર પરમારે જણાવ્યું હતું કે પરિવાર તેમના આઠ વર્ષના ભત્રીજાના જન્મદિવસની ઉજવણી માટે શાળાના મેદાન પાસે ભેગો થયો હતો. મેચ જોતી વખતે છોકરાએ બોલ ઉપાડ્યો ત્યારથી કુલદીપ સિંહ રાજપૂત નામનો આરોપી ગુસ્સે થઈ ગયો અને તેને ધમકાવવા લાગ્યો હતો.
એફઆઈઆર અનુસાર હુમલાખોરોએ હુમલા દરમિયાન જાતિવાદી અપશબ્દોનો પણ ઉપયોગ કર્યો હતો. ધીરજે કહ્યું કે તેમની દરમિયાનગીરી બાદ મામલો શાંત થયો. જોકે આ ઘટના બાદ કેટલાક લોકોએ તેના પર અલગ-અલગ જગ્યાએ હુમલો કર્યો હતો.કેસ મુજબ આરોપીઓમાં કુલદીપ સિંહ રાજપૂત, સિદ્ધરાજ સિંહ, રાજુ ઉર્ફે રાજદીપ દરબાર, જશવંત સિંહ રાજપૂત, ચકુબા લક્ષ્મણજી અને મહેન્દ્ર સિંહનો સમાવેશ થાય છે. આ આરોપીઓ પર રમખાણ, ખતરનાક હથિયારો વડે ઈજા પહોંચાડવાના અને એટ્રોસિટી એક્ટની કલમો અંતર્ગત ગુનો નોંધાયો છે.
દરમિયાન એક આરોપી સિદ્ધરાજ સિંહે પણ કીર્તિ પરમાર અને અન્ય સામે ફરિયાદ નોંધાવી છે. તેણે આક્ષેપ કર્યો હતો કે કીર્તિ પરમારે કુલદીપ સિંહ પર તલવાર વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો અને સિદ્ધરાજ સિંહે તેને રોકવાના પ્રયાસમાં તેને કોણી પર હથિયાર વડે માર્યો હતો. કાકોશી પોલીસ સ્ટેશનના એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.