સોનાના ભાવમાં તેજી અને ત્યારબાદ આવતો તીવ્ર ઘટાડો (Correction) કોઈ નવી બાબત નથી—આવો ટ્રેન્ડ ઇતિહાસમાં અનેક વખત જોવા મળ્યો છે. હાલ સોનું તેના રેકોર્ડ સ્તરથી નીચે સરકતાં રોકાણકારોમાં ચિંતા વધી છે કે શું હવે સોનાનો “સુવર્ણ યુગ” પૂર્ણ થઈ રહ્યો છે? ઐતિહાસિક ડેટા અને વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિઓ સૂચવે છે કે ભાવમાં હજુ વધુ ઘટાડો શક્ય છે.
હાલ 2026ની શરૂઆતમાં સોનાએ $5,602 પ્રતિ ઔંસનો સર્વોચ્ચ સ્તર સ્પર્શ્યો હતો, પરંતુ છેલ્લા ત્રણ મહિનામાં તેમાં અંદાજે 20%નો ઘટાડો નોંધાયો છે. નિષ્ણાતોના મતે, જો ઇતિહાસ ફરી દોહરાશે તો ભારતીય બજારમાં સોનું ₹90,000થી નીચે પણ જઈ શકે છે.
ઇતિહાસ શું કહે છે?
સોનાના ભાવમાં મોટી તેજી પછી હંમેશા ભારે કડાકો આવ્યો છે. આવા ત્રણ મુખ્ય સમયગાળા નોંધપાત્ર રહ્યા છે:
1971થી 1974 દરમિયાન સોનામાં 353%નો ઉછાળો આવ્યો, પરંતુ પછી માત્ર બે વર્ષમાં જ 43%નો ઘટાડો થયો. વધતા વ્યાજ દર, મજબૂત ડોલર અને Vietnam War બાદ ઘટેલા જોખમ આ માટે જવાબદાર રહ્યા. 1976થી 1980 વચ્ચે સોનું 541% વધી ગયું, પરંતુ ત્યારબાદ 52% તૂટી ગયું. Paul Volcker દ્વારા વ્યાજદરમાં વધારો સોનાના ભાવ માટે નકારાત્મક સાબિત થયો.
1999–2011 સમયગાળામાં સોનું 612% વધ્યું, પરંતુ 2011થી 2015 દરમિયાન ફરી 42%નો ઘટાડો નોંધાયો. World Gold Council મુજબ, મજબૂત ડોલર અને સુધરતી અર્થવ્યવસ્થા એ મુખ્ય કારણ હતા.જાન્યુઆરી 2026માં ટોચે પહોંચ્યા બાદ, Iran–US tensions અને તેલના વધતા ભાવના કારણે ડોલર મજબૂત બન્યો છે. વધતા ફુગાવાને કારણે US Federal Reserve વ્યાજદર ઘટાડવામાં સંકોચ કરી શકે છે. જો વ્યાજદર ઊંચા જ રહેશે, તો સોનાના ભાવ પર વધુ દબાણ આવી શકે છે.
નિષ્ણાતોના અંદાજ મુજબ, જો સોનું તેની ટોચથી 50% સુધી ઘટે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ $2,800 થી $3,000 પ્રતિ ઔંસ સુધી આવી શકે છે.આવી સ્થિતિમાં ભારતીય બજારમાં સોનાના ભાવ અંદાજે ₹85,000 થી ₹91,000 પ્રતિ 10 ગ્રામની વચ્ચે આવી શકે છે. હાલ માર્કેટ વિશ્લેષકો $3,600ના મહત્વપૂર્ણ સપોર્ટ લેવલ પર નજર રાખી રહ્યા છે.