GujaratIndiaNews

યુક્રેનમાં અભ્યાસ અર્થે ગયેલા ૫,૫૦૦ વિધાર્થીઓ મૂંઝવણમાં, શું તેમને ફરી ભારત આવવું પડશે ? જાણો શું છે હકીકત,

યુક્રેન પર ચારેય બાજુથી યુદ્ધના વાદળો ઘેરાય રહ્યા છે.રશિયા-યુક્રેન વચ્ચે સરહદ પર ચાલી રહેલા તણાવ પર તમામ દેશોની નજર છે.આ સમયે રશિયા-યુક્રેન વિવાદમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાયા છે.જે આપણા લોકો માટે એક ચિંતાનો વિષય બન્યો છે.બંને દેશો વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે તેવી સંભવના વર્તાઈ રહી છે.

આ તણાવને કારણે અમેરિકા,નોર્વે,બ્રિટન,જાપાન,ડેનમાર્કે અને લાતવિયા દેશોએ પહેલેથી જ પોતાના નાગરિકોને યુક્રેન છોડવા જણાવ્યું છે.યુક્રેનમાં સ્થિત ભારતીય વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેઓ ડરેલા છે,તેઓ સ્વદેશ પરત આવવા માગે છે.ફ્લાઈટનું ભાડુ પણ ત્રણ ગણુ વધ્યું છે,વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ૭૦ હજારની ટિકિટ ઓચિંતાની ૨ લાખ થઈ ગઈ છે.

આ સ્થિતિમાં યુક્રેનમાં અભ્યાસ કરતા લગભગ ૫,૫૦૦ ગુજરાતી વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે ભારત આવવા માટેની સ્પેશિયલ ફ્લાઈટ્સ શરુ કરવામાં આવે.અંદાજિત માહિતી અનુસાર યુક્રેનમાં લગભગ ૧૮,૦૦૦ જેટલા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે,જેમાં ૫,૫૦૦ ગુજરાતના વિદ્યાર્થીઓ છે.

વિદ્યાર્થીઓના પરિવારજનો ૨ દિવસ પહેલા આ બાબતે રજૂઆત કરવા માટે ગાંધીનગર સચિવાલય ગયા હતા.પરિવારજનોએ જણાવ્યું હતું કે,૨ દિવસ પહેલા અમારા દીકરા-દીકરી સાથે વાત થઈ છે.જેમાં તેઓ જણાવી રહ્યા હતા કે હાલ હોસ્ટેલમાં સુરક્ષિત છે, પરંતુ તેઓને દેશમાં પરત ફરવા માટે જણાવી દેવામાં આવ્યું છે.વિદ્યાર્થીઓના પરિવારજનોની માંગ છે કે અમારા સંતાનને દેશમાં પરત ફરવા માટે સ્પેશિયલ ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવે.