અમેરિકા જવા માંગતા બે કપલ સાથે 16 લાખ પડાવી ને એજન્ટોએ ત્રણ મહિના સુધી કોલંબોમાં રખડાવીને હાથ ઊંચા કરી દેતા નોંધાઈ પોલીસ ફરિયાદ
અમેરિકા જવા માટે ગુજરાતીઓ અમુક વખત એટલા ગાંડા બની જતા હોય છે કે પછી તેઓ એજન્ટ મારફતે ગેરકાયદેસર રીતે જવા માટે તૈયાર થઈ જતા હોય છે. પરંતુ આ રીતે ગેરકાયદેસર જવું એ ઘણી વખત ભારે પડતું હોય છે. ત્યારે અમેરિકા જવા માંગતા બે કપલ સાથે એજન્ટે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કલોલમાં વસવાટ કરતા જીજ્ઞેશ હર્ષદભાઈ બારોટે કલોલ પોલીસ સ્ટેશનમાં વિદેશ મોકલવાનું કામ કરતા એજન્ટ કલોલના કમલેશ બારોટ અને રાજેશ ઉર્ફે વીરા છગનભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જીજ્ઞેશભાઈને વિદેશ જવાની ઈચ્છા હોવાથી તેઓ આ બંને એજન્ટના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે આ બંને એજન્ટોએ યુરોપના વિઝા સરળતાથી મળી જશે તેમ જીજ્ઞેશભાઈને જણાવ્યું હતું. અને જીજ્ઞેશભાઈ પાસેથી 5 લાખ રૂપિયા કટકે કટકે કરીને પડાવ્યા હતા. તેના બાદ વીઝા રિજેક્ટ થવાનું કહીને રૂપિયા પરત નહિ મળે તેવુ જણાવ્યું. આ પછી આ બંને એજન્ટોએ અમેરિકા મોકલવાની જિગ્નેશભાઈ અને તેમની પત્નીને લાલચ આપી હતી. ત્યારે જિજ્ઞેશ એજન્ટની વાતમાં આવીને અમેરિકા જવા માટે તૈયાર થઈ જતા એજન્ટોએ આગળ વધુ પ્રોસિજર હાથ ધરી હતી. બાદમાં બંને એજન્ટોએ જિજ્ઞેશને કહ્યું કે, તમારે અમેરિકાના વિઝા લેવા માટે કોલંબો જવું પડશે. અને બાદમાં જીજ્ઞેશભાઈ અને તેમની પત્નીને આ એજન્ટોએ મુંબઈથી કોલંબોની ફ્લાઈટમાં બેસાડીને 12 એપ્રિલના રોજ કોલંબો મોકલ્યા હતા. જ્યાં તેમનું રોકાણ એક રિસોર્ટમાં રાખવામાં આવ્યું હતું. જ્યાં કડીના હર્ષદભાઈ ગુણવંતભાઈ પટેલ અને તેમના પત્ની પહેલેથી જ ત્યા રિસોર્ટમાં હતા. આમ આ એજન્ટોએ આ બંને કપલને કોલંબો થી વિઝા મળી જશે તેવું જણાવ્યું હતું. અને બંને કપલને કોલંબોમાં જ બે ત્રણ મહિના સુધી અલગ અલગ જગ્યાએ વિઝા માટે ફેરવ્યા હતા.
નોંધનીય છે કે, ત્રણ મહિના સુધી બંને કપલને વિઝા માટે રખડ્યા પછી વિઝા નહિ મળી શકે તેમ કહીને એજન્ટના બંને મળતીયાઓએ હાથ ઊંચા કરી લેતા બંને કપલ ગુજરાત પરત ફર્યા હતા. ત્યારે આ બંને એજન્ટ વિરુદ્ધ અમેરિકા મોકલવાના નામે 16.22 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવાની પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ફરિયાદના આધારે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. હાલ તો ગાંધીનગર એલસીબીએ આ સમગ્ર મામલે આરોપીના પાંચ દિવસ આ રિમાન્ડ મેળવીને વધુ તપાસ હાથ ધરી છે.