India

સૌથી મોટો ટ્રેન અકસ્માત: ઓડિશામાં 3 ટ્રેન એકબીજા સાથે અથડાતાં 233 લોકોના મોત, 900 થી વધુ ઘાયલ, મૃત્યુઆંક સતત વધી રહ્યો છે

Balasore Train Accident : ઓડિશાના બાલાસોર (Balasore)માં ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુઆંક દિવસેને દિવસે વધી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233 લોકોના મોત થયા છે જ્યારે 900થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘણાની હાલત નાજુક છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મૃતકોની સંખ્યા હજુ પણ વધી શકે છે. રાહત અને બચાવ ટુકડીઓ હજુ પણ સ્થળ પર કામગીરી કરી રહી છે.

આ દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યમાં એક દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે. માહિતી આપતા રાજ્યના માહિતી વિભાગે જણાવ્યું કે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે એક દિવસના રાજ્ય શોકનો આદેશ આપ્યો છે. 3 જૂને સમગ્ર રાજ્યમાં કોઈ ઉજવણી કરવામાં આવશે નહીં.

રેલવેએ આ દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો માટે વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિજનોને 10-10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે જ્યારે ઘાયલોને 2-2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. મામૂલી ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. આ દરમિયાન રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવ બાલાસોર જવા રવાના થઈ ગયા છે. આ અકસ્માતને કારણે ગોવા-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસનો ઉદ્ઘાટન કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ શનિવારે થવાનો હતો.