South GujaratGujaratSurat

44 વર્ષીય યુવક બ્રેઈનડેડ જાહેર થતાં બે કિડની અને લિવરના દાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે છેલ્લા ૧૫ દિવસમાં ચોથું સફળ અંગદાન કરવામાં આવ્યું છે. તેની સાથે અંગદાનની સંખ્યા ૫૬ પહોંચી ગઈ છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના લોકમાન્યા પાડા ખાતે રહેનાર દિપક ભરત કાટેલાને બ્રેઈનડેડ જાહેર થતા તેઓના બે કિડની અને લિવરનું દાન કરવામાં આવ્યું હતું. તેના આધારે ત્રણ વ્યકિતઓને નવજીવન મળી ગયું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના લોકમાન્યા પાડા ખાતે રહેનાર અને પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરનાર ૪૪ વર્ષીય દિપક ભરત કાટેલાને 24 જાન્યુઆરીના રોજ સવારના સમયે ચક્કર આવતા તેમને ખેંચ આવી જતા તે બેભાન થઈ ગયા હતા. ત્યાર બાદ ગામમાં આવેલ નજીકની હોસ્પિટલમાં લઇ ગયા ત્યાથી વધુ સારવાર અર્થે પાલઘરમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં વધુ ગંભીર હાલત હોવાના લીધે વલસાડ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાં તબીબની સલાહ મુજબ 25 તારીખના રોજ ઇમરજન્સીમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવીને ઇમરજન્સીમાં આઇસીયુમાં શિફ્ટ કરાયા હતા. ત્યાર બાદ તા 27 તારીખ ના રોજ વહેલી સવાર ના આર. એમ. ઓ. ડો. કેતન નાયક, ડો. નિલેશ કાછડીયા, ડો. જય પટેલ અને ડો.પરેશ ઝાંઝમેરા દ્વારા બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, દિપક ભરત કાટેલાને પરિવારમાં પત્ની નિર્મલાબેન દિપકભાઇ કાટેલા તથા દિકરી અશ્વીની દિપક કાટેલા તેમજ દિકરી જિયા જિતેશ ભુતકડે રહેલ છે. એવામાં દિપક ભરત કાટેલામાં બ્રેઈનડેડ મૃત જાહેર બાદ પરિવારજનોને સોટોની ટીમના આર. એમ. ઓ. ડો.કેતન નાયક, ડો.નિલેશ કાછડીયા, ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઈકબાલ કડીવાલા અને કાઉન્સેલર નિર્મલા કાથુડ દ્વારા અંગદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. તેમની સંમતિ બાદ આજે અંગોનું દાન કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ બ્રેઈનડેડ દિપકભાઈ કાટેલાના બન્ને કિડની અને લિવરને અમદાવાદની CIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. સિવિલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકરના માર્ગદર્શન હેઠળ તબીબી અને નર્સિંગ સ્ટાફ, સિકયુરિટી સ્ટાફ, સફાઈ કર્મચારીઓ તેમજ જાગૃત્ત સ્વયંસેવકો દ્વારા અંગદાનમાં જહેમત ઉઠાવવામાં આવી હતી. નવી સિવિલ હોસ્પિટલ તંત્રના સફળ પ્રયાસોના આધારે આજે વધુ એક અંગદાન સાથે ૫૬ મું અંગદાન મળ્યું છે.