દરવાજો ખોલતા જ 9 વર્ષના બાળકનું કરંટથી મોત, બચાવવા ગયેલા પરિવારના ચાર સભ્યોને પણ કરંટ લાગ્યો

મહેસાણા જિલ્લાના બહુચરાજીમાં વીજ કંપનીની બેદરકારીના કારણે એક જ પરિવાર પર દુઃખદ વીજ દુર્ઘટના આવી પડી. આ બનાવમાં 9 વર્ષના કિસ્મત ઠાકોર નામના બાળકનું કરંટ લાગવાથી મોત થયું છે, જ્યારે તેના પરિવારના અન્ય ચાર સભ્યોને પણ વીજ શોક લાગ્યો હતો, પરંતુ તેમનો આબાદ બચાવ થયો છે. ઘટનાના બાદ વીજ વિભાગના અધિકારીઓ તપાસ માટે સ્થળ પર પહોંચી ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ, બહુચરાજીના ઈન્દિરાનગર વિસ્તારમાં રહેતો કિસ્મત ઠાકોર સવારના સમયે બાથરૂમ જવા ગયો હતો. તે જ સમયે તેણે બાથરૂમનો દરવાજો ખોલતાં જ તેને જોરદાર વીજ શોક લાગ્યો. બાળકને બચાવવા દોડી આવેલા તેના પિતા અને અન્ય પરિવારજનોને પણ કરંટ લાગ્યો હતો. દુર્ભાગ્યે, કિસ્મતનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પરિવારના જણાવ્યા અનુસાર, વીજ કંપનીના મીટરનો સર્વિસ વાયર લોખંડના પતરાને અડકાતા કરંટ ફેલાયો, જેના કારણે આ દુર્ઘટના બની. મૃતકના પિતા ગૌરાંગભાઈ ઠાકોરે જણાવ્યું હતું કે, “મારો દીકરો બાથરૂમ જવા ગયો અને દરવાજું પકડતાં જ શોર્ટ થયો. તેને છોડાવવા દોડેલા બાજુના લોકો અને અમે પણ કરંટમાં ફસાઈ ગયા. પછી મેં મેઇન સ્વિચ બંધ કર્યો, છતાં વીજ પુરવઠો બંધ થયો નહોતો.”
સ્થાનિક અશોકભાઈ ઠાકોરે વીજ વિભાગની બેદરકારીને જવાબદાર ઠેરવી જણાવ્યું કે, “ઈન્દિરાનગર વિસ્તારમાં છેલ્લા 40 વર્ષ જૂના વીજ થાંભલા છે. અમે અનેકવાર રજૂઆત કરી છે કે થાંભલાં તૂટેલા છે અને જોખમી સ્થિતિમાં છે, છતાં વીજ વિભાગ કોઈ પગલાં લેતું નથી. ગરીબ વિસ્તાર હોવાથી કોઈ ધ્યાન આપતું નથી.”
આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દુઃખ અને આક્રોશનું વાતાવરણ સર્જી દીધું છે, જ્યારે લોકો વીજ કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.

