ગુજરાતમાં જંગલરાજ? સુરતમાં ટુ- વ્હિલર પર જઇ રહેલ યુવતીને રોકીને કારચાલકે બીભત્સ ગાળો આપીને થપ્પડ મારી દીધી
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ગુનેગારો જાણે બેફામ બન્યા છે. ગુજરાતમાં હવે કાયદા નો ડર જ ન હોય તેમ લુખ્ખાતત્વો જાહેરમાં જ આતંક ફેલાવતા હોય છે. સુરત સહીત ગુજરાતમાં તાજેતરમાં અનેક બળાત્કારની ઘટનાઓ સામે આવ્યા બાદ સરકાર અને પોલીસ તંત્ર દ્વારા નારી સુરક્ષાની વાતો કરવામાં આવે છે પણ હકીકત કંઈક અલગ જ છે. યુપી-બિહારમાં જંગલરાજ છે એવું કહેવાવાળા ગુજરાતનું તો નજરઅંદાજ કરી રહ્યા છે.
સુરતમાં ધોળા દિવસે એક્ટિવા પર પોતાની માતા સાથે જઈ રહેલ 30 વર્ષીય યુવતીને એક કારચાલકે રોકીને બીભત્સ ગાળો આપી હતી અને યુવતીને થપ્પડ મારી દીધી હતી.આ મામલે પોલીસ ફરિયાદ પણ થઈ ચુકી છે. જો કે આવા કિસ્સાઓમાં યુવતીઓ ડરી જતી હોય છે અને પોલીસ ફરિયાદ પણ નથી કરતી. યુવતી દ્વારા થયેલ પોલીસ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે,
બપોરે સાડા ત્રણ વાગ્યે હું માતા સાથે પોતાની ટુ- વ્હિલર પર જવા નીકળેલ હતા.બપોરના આશરે સવા ચાર વાગ્યે કાપોદ્રા બ્રિજ થી ઉતરાણ તરફ આવતા હતા ત્યારે મારી ગાડીની આગળની તરફ એક કાર(GJ 05 JF 3486) ના ચાલકે ડાબી તરફનું સિગ્નલ બતાવેલ જેથી મેં તેમને સાઈડ આપેલ અને જવા દીધા હતા. ત્યારબાદ મેં માતાને પૂછ્યું હતું કે કઈ બાજુ જવાનું છે. માતાએ સીધા જવાનું કહેતા મેં હાથના ઈશારે હા કહીને ગાડી આગળ જવા દીધી હતી.
જો કે ત્યારબાદ કારચાલકે અમારી ગાડી પાછળ જ પોતાની ગાડી આવવા દીધી હતી અને ગંદી ગાળો આપવા લાગેલ અને ગાડી સાઈડમાં ઉભી રાખવા કહ્યું હતું.યુવતીએ ફરિયાદમાં લખ્યું છે કે તેણીએ ગાડી ઉભી રાખી ન હતી અને આગળ વીઆઈપી સર્કલ આગળ રેલવે ફાટક પાસે કારચાલકે અમારી ગાડી સાઈડમાં દબાવેલ જેથી અમારે પણ ગાડી ઉભી રાખવી પડી હતી.
ત્યારબાદ કારમાંથી ચાર યુવકો બહાર આવ્યા હતા અને બીભત્સ ગાળો આપવા લાગ્યા હતા.કારચાલકે મારી ગાડીની ચાવી કાઢીને દૂર ફેંકી દીધી હતી. કારચાલકે આટલે ન અટકતા મને થપ્પડ મારી દીધી અને કહ્યું હતું કે બહાર નીકળજે તને જોઈ લઈશ.
આ આખી ઘટના બાદ યુવતીની માતા પણ ડરી ગઈ હતી.યુવતીનો ભાઈ પણ ઘટનાસ્થળે આવી ગયો અને અને આ મામલે યુવતીએ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીના ભાઈએ આ ઘટના અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી હતી જે જોતજોતામાં સુરત સહીત ગુજરાતભરમાં વાઇરલ થઇ ગઈ હતી.લગભગ 1000થી પણ વધુ લોકોએ પોસ્ટને શેર કરતા આ મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બની ગયો છે.
મોટેભાગે આવા કિસ્સાઓમાં યુવતીઓ કે તેમના પરિવારજનો પોલીસ ફરિયાદ કરાયા વગર જ ડરના કારણે જતું કરતા હોય છે.પણ સુરતની આ 30 વર્ષીય યુવતી અને તેના ભાઈની હિંમતને સલામ કરવી જોઈએ. જો દરેક લોકો આ રીતે અવાજ ઉઠાવશે અને ડર્યા વગર પોલીસ ફરિયાદ કરશે તો જ લુખ્ખાતત્વો ની દાદાગીરી અટકશે.