સુરત: 23 વર્ષના યુવકે સ્ટેમ સેલ ડોનેટ કરીને બ્લડકેન્સરના દર્દીનું જીવન બચાવ્યું, જાણો શું હોય છે સ્ટેમસેલ
સુરત: વાત જો સુરત શહેરની આવે એટલે સામાજિક કાર્યો,દાન,સેવા આપણને યાદ આવી જ જાય. આજે જે દાનની વાત તમે જાણશો તે કદાચ નવીન પ્રકારનું દાન છે. એવું દાન જેનાથી જિંદગી સામે લડતા માણસને નવું જીવન મળે છે.આપણા માનવશરીરમાં સ્ટેમસેલ હોય છે જે આપણે જાતે સર્જન કરેલી વસ્તુ નથી પરંતુ તે આપણને ભગવાને આપેલી એક અમૂલ્ય ભેટ છે કે જે દસ હજારથી લઈ ને લાખો સુધી એકના મેચ થાય છે. તો તેમાંથી થોડાક સ્ટેમસેલ આપણે જેમને જરૂરિયાત હોય અને મેચ થયા હોય તેમને આપીએ તો તેમને નવું જીવન મળે છે.
આવા જ દાન ની વાત કરીએ તો, મૂળ ગારિયાધાર-ભાવનગરના અને હાલ સુરતમાં રહેતા 23 વર્ષના યુવાન ધર્મેશ સુવાગીયા કે જેમણે પોતાના સ્ટેમ સેલ ડોનેટ કર્યા છે. બી.કોમ નો અભ્યાસ કરી ચૂકેલા યુવાનને સ્ટેમ સેલ ડોનેટ કરીને એક બ્લડકેન્સરના દર્દીને નવું જીવન આપ્યું છે. ચાલો જાણીએ આ સ્ટેમ સેલ શું છે અને કેવી રીતે આ યુવાને તેનું દાન કર્યું,
ગુજરાતમાં હજુ સ્ટેમ સેલ અંગે જાગૃતિ નથી આવી. મોટાભાગના લોકો આનાથી અજાણ હોય છે. સુરતમાં ઘણી વખત સ્ટેમ સેલ નું દાન થઇ ચૂક્યું છે. એવામાં જ ધર્મેશ સુવાગીયા ના ગામ ફાચરિયા-ગારીયાધારમાં વર્ષ 2018માં પોતાના સમાજ નો સ્નેહમિલનનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં દાત્રી સંસ્થા દ્વારા સ્ટેમ સેલ ડોનેટ કરવા માટે રજીસ્ટ્રેશન કરવામાં આવતું હતું, એ જોઈને ધર્મેશે પણ તેમાં રસ દાખવ્યો અને પોતાની લાળ ના સેમ્પલ આપ્યા.
સમય વીતતો ગયો અને નવેમ્બર-2019માં ધર્મેશ ને દાત્રી સંસ્થામાંથી સંપર્ક કરવામાં આવ્યો કે તમારા સ્ટેમ સેલ મેચ થઇ ગયા છે. 35 વર્ષીય વ્યક્તિ કે જે Myelodysplastic Syndrome નામની બ્લડકેન્સરની બીમારી થી પીડાઈ રહ્યા હતા જેને સ્ટેમ સેલની જરૂર છે. ધર્મેશે સ્ટેમ સેલ ડોનેટ કરવા હા કહી દીધું અને બાદમાં 30 જાન્યુઆરી 2020 ના રોજ સ્ટેમ સેલ ડોનેટ કરવામાં આવ્યા.
આપ પણ સ્ટેમસેલ ડોનેશન કરીને કોઈનો જીવ બચાવી શકો છો
સ્ટેમસેલ ડોનેશન માટે ભારતમાં 2009 માં દાત્રી સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. જેનું વડુ મથક ચેન્નઈ માં આવેલું છે. અને ગુજરાતમાં અમદાવાદ ખાતે આવેલું છે. શરૂઆતમાં 3000 દાતાઓનું સેમ્પલનું રજીસ્ટ્રેશન થયું હતું. અને અત્યારે 5 લાખ ડોનર રજીસ્ટર થયેલા છે. અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય 91 સહિત કુલ 663 ડોનેશન ભારતમાંથી થયા છે. અને તેટલા લોકોને નવજીવન આપવામાં દાત્રી સંસ્થા મધ્યસ્થી તરીકેનું સેવાનું કાર્ય કરે છે.જો આપ પણ આ ડોનેશન કરી કોઈને જીવનદાન આપવા ઈચ્છતા હોઈ તો આપ પણ DATRI સંસ્થામાં આપના લાળના સેમ્પલ આપીને રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
સ્ટેમસેલ ડોનેશન એ સરળ પ્રક્રિયા છે આ બાબતે લોકોમા જાગૃતિ આવે તો ઘણા દર્દીઓના જીવ બચી શકે છે.ડોનેશન કરવાથી ડોનર ને કોઈ પણ પ્રકારની આડ અસર થતી નથી. આનાથી બ્લડકેન્સર તેમજ થેલેસેમિયા મેજર બાળકોના તથા લોહીના રોગોના દર્દીઓના જીવ બચાવી શકાય તેમ છે.