International

રિપોર્ટમાં દાવો: અમેરીકામાં કોરોના વાયરસથી 5 લાખ લોકોના મોત થઇ શકે છે

એક લીક થયેલા દસ્તાવેજમાં ખુલાસો થયો છે કે યુએસ હોસ્પિટલો લગભગ 9 મિલિયન સંભવિત ચેપ અને કોરોના વાયરસથી 4.8 લાખ લોકોની મૃત્યુની પરિસ્થિતિ સામે લડવાની તૈયારી કરી રહી છે. અમેરિકન હોસ્પિટલ એસોસિએશન એ ફેબ્રુઆરીમાં એક ઇવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં રજૂ કરેલી પ્રસ્તુતિમાં આ આંકડાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.કોરોના વાયરસ સંકટનો સામનો કરવા માટે યુ.એસ. સંસદે 6૧,૦૦૦ કરોડ ના બજેટને મંજૂરી આપી છે. જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર 2 અબજ ડોલરથી વધુની માંગ કરી હતી.

ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, ધ અમેરિકન હોસ્પિટલ એસોસિએશનના પ્રેઝન્ટેશન ડેટા દર્શાવે છે કે અમેરિકન અધિકારીઓ કોરોના વાયરસ વિશે જે દાવો કરે છે તેના કરતા વાયરસનું જોખમ 10 ગણા વધારે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પણ દાવો કર્યો હતો કે કોરોના વાયરસથી અમેરિકન નાગરિકો માટેનો ખતરો ‘ઓછો’ છે.

અમેરિકન હોસ્પિટલ એસોસિએશને 26 ફેબ્રુઆરીના રોજ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, તેનું નામ હતું- ‘કોવિડ -19 (કોરોના વાયરસ) માટેની તૈયારી: હેલ્થકેર લીડર્સને શું જાણવું જોઈએ’. આ કાર્યક્રમમાં યુનિવર્સિટી ઓફ નેબ્રાસ્કા મેડિકલ સેન્ટરના પ્રોફેસર ડૉ.જેમ્સએ તેમની રજૂઆતમાં આંકડાઓનો અંદાજ લગાવ્યો હતો.

આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં સુધીમાં વિશ્વભરમાં 80 હજાર કોરોના વાયરસના કેસની પુષ્ટિ થઈ ગઈ છે. અમેરિકામાં 60 કેસ નોંધાયા હતા અને મૃતકોનો આંકડો શૂન્ય હતો.લગભગ એક અઠવાડિયા પછી અમેરિકામાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 700 પર પહોંચી ગઈ છે, જ્યારે કોરોના વાયરસના કારણે લગભગ 17 લોકોના મોત પણ થયા છે.

પ્રેઝન્ટેશનમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે જો પહેલાથી રોગોનો સામનો કરનારા લોકોને કોરોના વાયરસથી ચેપ લાગ્યો હોય તો જોખમ વધારે હશે. જો 80 વર્ષથી ઉપરના લોકો ચેપગ્રસ્ત છે તો મૃત્યુની સંભાવના 14.8 ટકા હોઈ શકે છે.

તે જ સમયે, રાષ્ટ્રપતિ ટ્રમ્પની અમેરિકામાં કોરોના વાયરસના જોખમને ઓછો આંકવા બદલ ટીકા થઈ રહી છે. રાષ્ટ્રપતિએ કોરોના વાયરસ સંકટને પહોંચી વળવા સંસદમાં 2 અબજ ડોલરથી વધુની માંગ કરી હતી, પરંતુ સંસદે 8.3 અબજ ડોલરનું બજેટની જોગવાઈ કરી.