મધ્યપ્રદેશ: કોંગ્રેસના 20 મંત્રીઓનું રાજીનામુ, જ્યોતિરાદિત્ય સહીત 20 કોંગ્રેસ ધારાસભ્યો ભાજપમાં જોડાવાની શક્યતા
મધ્યપ્રદેશમાં ફરી એકવાર રાજકીય સંકટ ઉભું થયું છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક એવા કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યો બેંગ્લોર પહોંચ્યા છે. રિપોર્ટ મુજબ બેંગ્લોર પહોંચેલા ધારાસભ્યોમાં 6 મધ્યપ્રદેશ સરકારમાં પ્રધાનો છે.મધ્ય પ્રદેશ ભાજપના બે પૂર્વ પ્રધાનો બેંગલુરુ જવા રવાના થયા છે. તેઓ બપોરે 2:30 વાગ્યા આસપાસ પહોંચશે.
મધ્યપ્રદેશના ભાજપના પ્રભારી વિનય સહસ્ત્રબુદ્ધ બેંગ્લોરમાં કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યોને મળ્યા હતા. બળવાખોર ધારાસભ્યો આજે મંગળવારે બેંગલોરમાં પ્રેસ કોન્ફરન્સ કરી શકે છે.રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલોટે કહ્યું કે, મને આશા છે કે મધ્યપ્રદેશમાં હાલનું સંકટ જલ્દીથી સમાપ્ત થઈ જશે અને નેતાઓ મતભેદોનું સમાધાન કરવામાં સમર્થ બનશે. જનતાને આપેલા વચનો પૂરા કરવા માટે રાજ્યને એક સ્થિર સરકારની જરૂર છે. પાયલોટે સ્વીકાર્યું કે મધ્ય પ્રદેશ કોંગ્રેસમાં નેતાઓમાં મતભેદો છે.
હાલ મધ્યપ્રદેશથી એક ખૂબ મોટા સમાચાર આવી રહયા છે. અહેવાલ મુજબ મધ્યપ્રદેશના લગભગ 20 પ્રધાનોએ રાજીનામું આપી દીધું છે, સીએમ કમલનાથ સાથેની બેઠકમાં હાજર તમામ મંત્રીઓએ સીએમ કમલનાથને રાજીનામું આપ્યું છે. સીએમ કમલનાથને ફરીથી કેબિનેટની રચના કરવાની અને જરૂરિયાત મુજબ પ્રધાનોની પસંદગી કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. અહેવાલ મુજબ લગભગ 20 પ્રધાનોએ સીએમ કમલનાથને રાજીનામું આપ્યું છે. સીએમ કમલનાથના નજીકના સૂત્રો કહે છે કે બેંગ્લોર ગયેલા ધારાસભ્ય પાર્ટીમાં પાછા ફરશે.
મધ્યપ્રદેશના વિપક્ષી નેતા ગોપાલ ભાર્ગવએ કહ્યું કે કોંગ્રેસમાં થતી ખલેલ માટે ભાજપ જવાબદાર નથી. તેમણે કહ્યું કે જો કમલનાથની સરકાર પડી જાય અને અમને તક મળે તો હાઈકમાન્ડ જે કહેશે તે કરીશું.મધ્યપ્રદેશમાં રાજકીય ગરમાવો વધી રહ્યો છે ત્યારે મધ્યપ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડન મંગળવારે સવારે લખનૌથી ભોપાલ જઇ રહ્યા છે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા બાદ પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણ ગૃહ પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહને મળવા આવ્યા છે. અમિત શાહના ઘરે શિવરાજ સિંહ તેમની સાથે મુલાકાત કરી રહ્યા છે. આ બેઠકમાં ભાજપના નેતા નરેન્દ્રસિંહ તોમર પણ હાજર છે. અમિત શાહ અને શિવરાજસિંહ ચૌહાણ વચ્ચે 2 કલાક બેઠક ચાલી રહી છે.