કોરોના અપડેટ: 14 એપ્રિલે લોકડાઉન સમાપ્ત થશે કે નહીં? જાણો વિગતે
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાયરસને કારણે દેશમાં 21 દિવસનું લોકડાઉન લાદવામાં આવ્યું છે.જો કે સૂત્રોના જણાવ્યા મુજબ ઘણી રાજ્ય સરકારોએ લોકડાઉન વધારવાનું સૂચન કર્યું છે. આ સાથે કોરોના દર્દીઓની સંખ્યામાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને ઘણા નિષ્ણાતોએ વધુ કેટલાક અઠવાડિયા માટે લોકડાઉન વધારવાનું કહ્યું છે. કેન્દ્ર સરકાર પણ લોકડાઉન વધારવાનું વિચારી રહી છે.
કોરોના વાયરસના વધતા કહેરને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 21 દિવસના સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી, જે 14 એપ્રિલના રોજ સમાપ્ત થાય છે. પણ હજુ કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના એક હજારથી વધુ કેસ થયા છે અને બે ડઝનથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. હાલમાં ભારતમાં 4481 કોરોના દર્દીઓ છે, જેમાંથી 114 લોકો મૃત્યુ પામ્યા છે.
મહારાષ્ટ્ર, તામિલનાડુ, દિલ્હી,ગુજરાત સહિતના ઘણા રાજ્યોમાં અચાનક દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. તેલંગાણાના મુખ્ય પ્રધાન કે.કે. ચંદ્રશેખર રાવે કેન્દ્ર સરકારને સૂચન આપ્યું હતું કે લોકડાઉન વધુ બે અઠવાડિયા સુધી લંબાવાય. કેસીઆર દ્વારા આ સૂચવેલા અહેવાલના આધારે, 2 જૂન સુધીમાં લોકડાઉન લાગુ કરવાની અપીલ કરવામાં આવી હતી.
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું કે લોકડાઉન તાત્કાલિક હટાવવામાં નહીં આવે. તેને તબક્કાવાર રીતે દૂર કરવું જોઈએ. સીએમ અશોક ગેહલોતે કહ્યું કે કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને લોકડાઉન દૂર કરવા અને લાદવાનો અધિકાર આપવો જોઈએ. લોકડાઉનને દૂર કરવાનો નિર્ણય સ્થાનિક ધોરણે જ હોવો જોઈએ.
દરમિયાન આજે કેન્દ્રીય મંત્રીઓની એક બેઠક મળી હતી. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના ઘરે કોરોના સંકટ અને લોકડાઉન અંગે બેઠક કરી હતી. આ બેઠક પછી કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર તોમરે કહ્યું કે લોકડાઉનને હટાવવા અથવા વધુ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો નથી. હાલની પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. બાદમાં નિર્ણય લેવામાં આવશે.