પુત્ર લોકડાઉનમાં ફસાઈ ગયો: માતા 1400 કિલોમીટર સ્કૂટર ચલાવીને પરત લઈ આવી
ભારતમાં કોરોના વાયરસના વધતા ખતરાને અટકાવવા માટે પીએમ મોદીએ 21 દિવસ લોકડાઉન ની જાહેરાત કરી હતી. રાતોરાત કરાયેલા લોકડાઉનમાં અનેક લોકો ફસાઈ ગયા હતા. લોકડાઉનમા ફસાયેલા પોતાના પુત્રને ઘરે લાવવા એક માતાએ સ્કૂટર દ્વારા 1400 કિ.મી.ની મુસાફરી કરી અને 3 દિવસમાં પુત્રને ઘરે પરત લાવી હતી.આ ઘટના તેલંગાણાના નિઝામાબાદની છે.
તેલંગાણાના નિઝામબાદ જિલ્લામાં રહેતા 50 વર્ષીય રઝિયા બેગમે આશરે 1400 કિ.મી. દૂર આવેલા આંધ્રપ્રદેશના નેલ્લોર જવા એકલા સવારી માટે સોમવારે સવારે સ્થાનિક પોલીસની પરવાનગી લીધી હતી.
હાઈવે ની સુમસામ સડકો પર સ્કૂટર ચલાવીને તે નેલ્લોર પહોંચી હતી અને ત્યારબાદ ત્યાંથી પુત્રને પાછળ બેસાડીને પરત નિઝામાબાદ આવી હતી. આ રીતે આ આખી મુસાફરીમાં તેણે 1400 કિ.મી.નું અંતર કાપ્યું, તેણે ત્રણ દિવસમાં એટલે કે દરરરોજ લગભગ 470 કિ.મી.સ્કૂટર ચલાવ્યું હતું.રઝિયા બેગમે કહ્યું કે ટુ-વ્હીલર સાથે મુશ્કેલ પ્રવાસ હતો પરંતુ પુત્રને લાવવાના સંકલ્પથી તમામ ડરનો અંત આવ્યો. રાત્રે ચોક્કસપણે ભય હતો જ્યારે રસ્તા પર કોઈ માણસ કે ટ્રાફિકની અવરજવર ન હતી.
રઝિયાએ પહેલા પોતાના મોટા પુત્રને રહેમતાબાદ મોકલવાનો વિચાર કર્યો, પરંતુ ત્યારબાદ લોકડાઉનની કડકતાને કારણે આ વિચાર રદ કર્યો. પછી કાર દ્વારા જવાનું વિચાર્યું પણ આ વિચાર પણ રદ થયો. અંતે ટુ-વ્હીલર સાથેની મુશ્કેલ મુસાફરી હતી.રસ્તામાં ખાવા માટે ઘણી રોટલી પેક કરી દીધી હતી. જ્યારે રસ્તામાં તરસ લાગતી ત્યારે તે પેટ્રોલ પંપ પર અટકીને તરસ છીપાવી દેતી અને પછી આગળ વધતી. આ રીતે 50 વર્ષીય રઝિયા બેગમ ત્રણ દિવસમાં 1400 કિ.મી.ની ગાડી ચલાવી, તેના પુત્રને ઘરે પરત લાવી.