Corona VirusDelhiGujaratIndiaNarendra Modi

આત્મનિર્ભર ભારત કે કરજનિર્ભર ભારત? પૂર્વ IPS રમેશ સવાણી શું કહે છે જાણો

સમગ્ર દુનિયામાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ બે મહિનાથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તબક્કાવાર 4 વખત લોકડાઉં લંબાવવામાં આવ્યું.લોકડાઉન દરમિયાન ઉદ્યોગો ઠપ્પ થઇ જતા દેશમાં બેરોજગારી તેમજ અન્ય આર્થીક સમસ્યાઓ ના ઉકેલ માટે 20 લાખ કરોડનું આર્થિક પેકેજ જાહેર કરાયું છે.પીએમ મોદીએ આત્મનિર્ભર બનવા ની વાત પણ કરી હતી પણ શું ખરેખર ભારત આત્મનિર્ભર બનશે કે કરજનિર્ભર બનશે? ગુજરાતના પૂર્વ આઇપીએસ રમેશભાઈ સવાણીએ ફેસબુક પોસ્ટ દ્વારા “આત્મનિર્ભર” અને “કરજનિર્ભર” અંગે જણાવ્યું છે.

પૂર્વ આઇપીએસ રમેશ સવાણીએ લખ્યું છે કે, નોટબંધી પછી ભારતની આર્થિક સ્થિતિ ડામાડોળ હતી; કોરોના મહામારી શરુ થઈ તે પહેલાં સરકાર આર્થિક સંકટમાં હતી; તેનો પુરાવો એ છે કે વર્ષ 2019/20ના બજેટ કરતા વર્ષ 2020/21ના બજેટમાં; કેન્દ્ર સરકારે જનકલ્યાણ યોજનાઓમાં 38,968 કરોડ રુપિયા; ફર્ટિલાઈઝર યોજનાઓમાં 68,650 કરોડ ખેડૂતોને મળનારી સબસિડી ઉપર 8,687 કરોડ અને મનરેગા બજેટમાં 9,502 કરોડનો કાપ મૂકી દીધો હતો.

ગ્રામીણ યોજનાઓમાં 2000 કરોડનો કાપ મૂક્યો હતો. આ કાપ આર્થિક બીમારી સૂચવે છે. આ સ્થિતિમાં કોરોના સંકટના કારણે લોકડાઉન થતાં સરકારની હાલત કંગાળ થઈ ગઈ. એટલે તો સંસ્કૃતિની મોટી મોટી વાતો કરતા સત્તાપક્ષે શાળા/કોલેજ/મંદિર ખોલતા પહેલાં દારુની દુકાનો ખોલી નાંખી.

છેલ્લા 45 વર્ષોમાં, ફેબ્રુઆરી 2020માં બેરોજગારી ટોચ ઉપર પહોંચી ગઈ હતી; લોકડાઉનમાં 67% શ્રમિકો બેરોજગાર બની ગયા ! શહેરી વિસ્તારમાં 10માંથી 8 શ્રમિકો પાસે રોજગાર નથી; જ્યારે ગામડામાં 10માંથી 6 શ્રમિકો પાસે રોજગાર નથી.

આત્મનિર્ભરતાની વાત ચોકલેટ જેવી ગળી લાગે પરંતુ કેન્દ્ર સરકારે; સંરક્ષણ ક્ષેત્રમાં વિદેશી રોકાણની મર્યાદા 49% હતી તે વધારીને 74% કરી દીધી છે ! મેઈક ઈન ઈન્ડિયા ઉપર ધૂળ ચડી ગઈ છે. અગાઉની સરકારે શરુ કરેલ જાહેર સાહસો મૂડીપતિઓને વેચીને સરકાર પોતાનો ચહેરો હસતો રાખી રહી છે. PMએ, 20 લાખ કરોડના ‘રાહત પેકેજ’ના રુપાળા રેપર હેઠળ ‘લોન પેકેજ’ જાહેર કર્યું છે!

લોકો કરજદાર હતાં જ; હવે ‘લોન પેકેજ’ લોકોને વધુ કરજદાર બનાવશે. ‘પેકેજ’માં સીધી સહાય ન હોય તો એનો કોઈ અર્થ નથી. શ્રમિકોના હાથમાં પૈસા આવે તો માંગ વધે; માંગ વધે તો પુરવઠો વધારવા રોજગારીની તકો ઊભી થાય. PMનું પેકેજ તો આત્મનિર્ભર ભારતને બદલે કરજનિર્ભર ભારત ઊભું કરશે ! આત્મનિર્ભરતાનો ઉપદેશ આપનાર ખુદ આત્મનિર્ભરતાથી હજારો કિલોમીટર દૂર હોય છે! કથાકારોની જેમ નાગરિકોને માત્ર ઉપદેશ જ આપવાનો છે?