મહુવા: કરંટ લાગવાથી ત્રણ માસૂમના ઘટના સ્થળે જ મોત, ત્રણેય શાળાએથી પરત ફરી રહ્યા હતા
મહુવા તાલુકાના કાટકડા ગામે બુધવારે મોટો અકસ્માત સર્જાયો હતો. અહીં 3 બાળકો ખેતરમાં વીજ વાયરની લપેટમાં આવી ગયા હતા. બાળકોને કરંટ લાગવાની જાણ નજીકના ખેતરોમાં કામ કરતા લોકોને થતાં જ તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય બાળકોના મોત થઈ ગયા હતા.
સવારે શાળાએ ગયા બાદ બપોરે 1 વાગ્યાના સુમારે ઘરે પરત ફરતા બાળકો ખેતર તરફ પહોંચ્યા ત્યારે વાડી પાસે રાખેલા ખુલ્લા વીજ વાયરની લપેટમાં આવી ગયા હતા. આ દરમિયાન ત્રણેય બાળકો એક પછી એક વીજ કરંટ લાગતા ત્રણેય વાયરમાં ફસાઈ ગયા હતા.અકસ્માત બાદ ત્રણેયને જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મૃતક બાળકોમાં 12 વર્ષની કોમલ મગન ચૌહાણ, 12 વર્ષની નૈતિક કનુ જાંબુચા અને 12 વર્ષની પ્રિયંકા કનુભાઈ જાંબુચાનો સમાવેશ થાય છે.તેમાંથી નૈતિક અને પ્રિયંકા બંને ભાઈ-બહેન છે. આ બનાવને પગલે ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ગામના ઝવેરભાઈએ જણાવ્યું કે મને ખબર પડી કે બાળકોને કરંટ લાગ્યો છે. એટલે હું કાર લઈને તરત જ ત્યાં પહોંચી ગયો. મેં જોયું કે ત્રણેય બાળકો ખુલ્લા વીજ વાયર વચ્ચે પડ્યા હતા.