દાનવીર કર્ણની ભૂમિ સુરતમાં ફરી એકવાર માનવતા મહેકી ઉઠી
દાનવીર કર્ણની ભૂમિ એવા સુરતમાં શહેરમાં ફરી એકવાર સફળ અંગદાન થયું છે. મૂળ ભાવનગરના વતની એવા ચૌહાણ પરિવારે સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ થયેલા પોતાના વ્હાલા ૩૦ વર્ષની ઉંમરના યુવાન પુત્ર સુનિલભાઈ રાઘવભાઈ ચૌહાણનું લીવર તેમજ બંને કિડનીનું મહાદાન કરીને ચૌહાણ પરિવારે માનવતા મહેંકાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ ભાવનગરના અને હાલ સુરતના માંગરોળ તાલુકાના કીમ ખાતે વસવાટ કરતા ૩૦ વર્ષનઇ ઉંમરના યુવાન સુનિલભાઈ રાઘવભાઈ ચૌહાણ મહાદેવ કાર્ટીંગ કંપનીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવીને ગુજરાન ચલાવતા હતા. તારીખ 27 માર્ચના રોજ કીમ નજીક અણીતા, આર્યન સ્કૂલ જોડેથી તેઓ બાઈક પર સવાર થઈને જઈ રહ્યા હતા. ત્યારે અચાનક જ રસ્તા વચ્ચે ભૂંડ આવી જતા તેઓ ડિવાઈડર સાથે અથડાયા અને તેમને માથાના ભાગે ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમને તાત્કાલિક અસરથી કિમની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે, ત્યારબાદ તેમને વધુ સારવાર માટે ત્યાંથી સુરત ખાતેની નવી સિવિલમાં ખસેડાયા હતા. ત્યારે સારવાર દરમિયાન તબીબોની ટીમે 30 તારીખના રોજ તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. ત્યારે ડો. નિલેશ કાછડીયા,આર.એમ.ઓ. ડો.કેતન નાયક, સોટો ઓર્ગન ડોનેશનની ટીમ તેમજ તબીબોએ ચૌહાણ પરિવારના સભ્યોને અંગદાનની જાણકારી આપી અને સમજાવ્યા કે નિલેશભાઈના અમૂલ્ય અંગોના દાનથી કોઈ જરૂરિયાતમંદને નવુ જીવન મળી શકે તેમ છે.
નોંધનીય છે કે, ડોકટરોએ અંગદાનની જાણકારી આપ્યા બાદ પરિવારે નિલેશભાઈના અંગદાન માટે ડોકટરોને સંમતિ આપી અને કહ્યું કે અમારૂ સ્વજન તો હવે આ દુનિયામાં રહ્યું નથી, પણ અમારું સ્વજન બીજા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેતો હોય તેના અંગોનું દાન કરવાથી અમને ખુશી થશે.
ઉલ્લેખનીય છે કે, પરિવારે સંમતિ આપતા નોટો તેમજ સોટોની ગાઈડલાઈન અનુસાર અંગદાનની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ શહેરની IKDRC-ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટર ખાતેની ટીમે સુરત સિવિલ ખાતે આવીને બ્રેઈનડેડ યુવક નિલેશભાઈની બે કિડની, લીવરનું દાન સ્વીકારીને તેમના અંગો અમદાવાદ શહેર લઈ જવામાં આવ્યા હતા. આ સાથે જ સુરત સિવિલમાં આ 20મું અંગદાન સફળ થયું છે.