સુરત કોર્ટે માનહાની કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકાર્યા બાદથી સતત રાજકારણ ગરમાયેલું છે. ભ્રષ્ટાચારને લઈને સત્તાપક્ષ અને વિપક્ષ બંને એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા ચેમ ત્યારે આ બધા વચ્ચે ગત રોજ રવિવારે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કરતા ભારતીય જનતા પાર્ટીએ ‘Congress Files’ નામની એક વીડિયો સીરિઝ લોંચ કરી છે. આ વીડિયો સીરિઝ દ્વારા ભારતીય જનતા પાર્ટીએ યુપીએ સરકારમાં ખૂબ મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પોતાના ટ્વીટર હેન્ડલ પર 3 મિનિટનો વીડિયો શેર કરીને કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે કે UPAના શાસનમાં 48,20,69,00,00,000 રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં કોલસા કૌભાંડ,કોમનવેલ્થ ગેમ સ્કેમ, 2G સ્કેમજેવા અનેક ભ્રષ્ટાચાર મુદ્દે કોંગ્રેસ પર આરોપ મુકવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે, ભાજપે ટ્વીટર પર શેર કરેલા વીડિયોમાં UPAના શાસનમાં રૂપિયા 48 ટ્રિલિયન 20 અબજ 69 કરોડ રૂપિયાની લૂંટ ચલાવવામાં આવી હતી. 2014ની ચૂંટણીમાં બહુચર્ચિત કોલસા કૌભાંડ, 2-G તેમજ કોમનવેલ્થ કૌભાંડનો પણ આ વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે. વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે કોંગ્રેસે જો કૌભાંડ ના કર્યું હોત તો તે રૂપિયાથી દેશની સુરક્ષાથી લઈને દેશના વિકાસ સુધીના અનેક કાર્યો થઈ શક્યા હોત. કોંગ્રેસે કૌભાંડ કર્યું એટલામાં તો 300 રાફેલ એરક્રાફ્ટ,24 INS વિક્રાંત, તેમજ 1000 મંગળ મિશન બનાવી તેમજ ખરીદી શકાય તેમ છે. ભાજપે કહ્યું કે, કોંગ્રેસના કૌભાંડોને લીધે જ આપણો દેશ આજે વિકાસમાં પાછળ રહી ગયો છે.
તમને જણાવી દઈએ કે, ભાજપે શેર કરેલા વીડિયો પૂરો થવા આવે ત્યારે કહ્યું છે કે ‘આ તો હજુ માત્ર કોંગ્રેસે કરેલા કૌભાંડોની ઝાંખી છે, પરંતુ પિકચર હજુ બાકી છે’. અને હજુ બીજા એપિસોડમાં કોંગ્રેસ પર બીજા કૌભાંડોનો પર્દાફાશ કરવામાં આવશે. આમ હાલ તો આ વીડિયોને લઈને રાજકારણ ગરમાયુ છે.