GujaratRajkotSaurashtra

રાજકોટમાં ભાજપના નેતાઓ સાથે થયું એવું કે…

રાજકોટ શહેરમાં ભાજપના એક કાર્યક્રમમાં પાણીને લઈને માથાકૂટ ઊભી થઈ હતી. શહેરના કોઠારીયા વિસ્તારમાં આયોજિત ફ્રી નિદાન કેમ્પમાં ધારાસભ્ય રમેશ ટિલાલા , દર્શિતાબેન શાહ, અને મેયરને ચાલુ ક્રાર્યક્રમ દરમિયાન પરત ફરવું પડ્યું હતું. સ્થાનિકોએ રસ્તા અને પાણીને લઈને અનેક રજુઆત કરી હોવા છતાં કોઈ કામ ન થતા સ્થાનિકોએ ચાલુ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય અને મેયરને રજુઆત કરવા પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં છેલ્લા 3 વર્ષથી રસ્તાઓ તો ખોદી કાઢ્યા છે પરંતુ ત્યાં રસ્તો હજુ સુધી ના બનાવવામા આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, સોસાયટી બની છે ત્યારથી લઈને આજદિન સુધીમાં સતત પાણીની સમસ્યા રહી છે. મહિલાઓએ ખૂબ જ આક્રોશ સાથે કહ્યું કે ક્યારેય પૂરતા પ્રમાણમાં પાણી આ વિસ્તારમાં આવ્યું જ નથી. જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

મહિલાઓએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ પાણીનો પૂરો ટેક્સ ભરે છે, તેમ છતાં તેમને સતત પાણીની સમસ્યાને લઈને હેરાન થવું પડે છે. આ સિવાય આ વિસ્તારમાં રસ્તાની પણ ખૂબ મોટી સમસ્યા છે. અહીંની આસપાસની સોસાયટીઓમાં આવેલા રોડ રસ્તાઓની હાલત અત્યંત બીસ્માર છે. સ્થાનિકોને આ વિસ્તારમાંથી પસાર થવા માટે ખૂબ પરેશાની ભોગવવી પડતી હોય છે. રસ્તાની બિસમાર હાલતના કારણે અહીં અકસ્માત પણ સર્જાતા હોય છે. નોંધનીય છે કે, આ સ્થાનિકોએ તેમને પડતી મુશ્કેલીઓને લઈને ચાલુકાર્યક્રમ દરમિયાન રજુઆત કરતા ભાજપના નેતાઓએ કાર્યક્રમ છોડીને ભાગવું પડ્યું હતું.