GujaratSouth GujaratSurat

દાનવીર કર્ણની ભૂમિ સુરતમાં 9 વર્ષના માસુમ બાળકે 6 લોકોને નવજીવન આપ્યું

દાનવીર કર્ણની ભૂમિ સુરત શહેરમાં ફરી એકવાર અંગદાન કરવામાં આવ્યું છે. સુરત શહેરના પૂણા વિસ્તારમાં વસવાટ કરતા અંટાળા પરિવારે તેમના ચોથા ધોરણમાં અભ્યાસ કરતા બાળકના અંગોનું દાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે, સુરત શહેરના પૂણા, યોગીચોક નજીક આવેલ યોગીદર્શન સોસાયટીમાં વસવાટ કરતા નયનભાઈ અંટાળા મૂળ અમરેલી જિલ્લાના ધારીના વતની છે. અને તેઓ સુરતમાં રત્નકલાકાર છે. ગત 19મી એપ્રિલના રોજ નાયનભાઈના 9 વર્ષનો પુત્ર આરવને રમતા રમતા માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. જેથી અંટાળાં પરિવારના લોકો આરવને લઈને તાત્કાલિક આરથી કામરેજની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ફરજ પર હાજર તબીબ ડો. હિતેષ કલસરિયાએ આરવની પ્રાથમિક સારવાર કર્યા બાદ ઈજાની ગંભીરતા સમજતા તેમણે સિમાડા ખાતે આવેલી એઈમ્સ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આરવને શિફ્ટ કરવા માટે રિફર કર્યું હતું. જ્યાં તબીબોની ટીમે તાત્કાલિક સારવાર શરૂ કરીને આરવનું બ્રેઈન ઓપરેશન કર્યું હતું.જો કે ત્રણ દિવસ સુધી સારવાર પછી 22મી એપ્રિલે રાત્રીના સમયે ડોકટરોએ આરવને બ્રેઈનડેડ જાહેર કર્યો હતો.

 

નોંધનીય છે કે, આરવને બ્રેઇન્ડેડ જાહેર કર્યા પછી તેમના જ પરિવારમાંથી આવતા ડો. ચતુર ડોબરિયા, એઈમ્સના ડો. હિતેષ ચિત્રોડા અને ડો. જિજ્ઞેશ ધામેલીયાએ અંગડાણ અંગે આરવના પરિવારજનોને સમજ આપી હતી. ત્યારે પોતાના માસુમ અને વ્હાલા બાળકને ગુમાવનાર એવા માતાપિતાએ પોતાના બાળકના અંગ અન્ય કોઈને નવજીવન આપશે તે વાતને ધ્યાને લઈને આરવના માતા પિતાએ તેના અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો.

મહત્વનું છે કે, પરિવારે આરવના અંદાનની સંમતિ આપ્યા પછી ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલાના સહયોગથી સોટો-નોટોની ગાઈડલાઈન અનુસાર સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી, જેમાં સિમાડાની એઈમ્સ મલ્ટીસ્પેશ્યાલિટી ખાતે 2 હોસ્પિટલોની ટીમ હતી. આમ, આરવના આંગદાનથી 6 દર્દીઓને નવજીવન મળશે.