સુરતના 8મું પાસ માસ્ટર માઇન્ડે 901 કરોડનું GST કૌભાંડ કર્યું, આટલા રૂપિયા ક્યાં નાખ્યા તે હજી જાણવાનું બાકી
ગુજરાતમાં 1500 ડમી કંપનીઓ બનાવીને 2700 કરોડના GST કૌભાંડના માસ્ટરમાઇન્ડની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ કેમિકલ અને જંકના ધંધાના નામે નકલી બિલિંગ(Billing) કરતા હતા. આ માસ્ટરમાઇન્ડે એકલા હાથે 901 કરોડનું GST કૌભાંડ કર્યું હતું. તેના સમગ્ર રેકેટમાં 35 લોકો સામેલ છે. જેમાંથી 19 ઝડપાઈ ગયા છે, જ્યારે 16 હજુ ફરાર છે.
GST કૌભાંડના સૂત્રધાર સુફીયાન કાપડિયા (Sufiyan kapadiya)ની ગુરુવારે સુરત પોલીસ (Surat Police)ના ઈકોનોમિક સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. સુફિયાને જ GST ચોરી શરૂ કરી હતી. ત્યાર બાદ તેણે બનાવટી દસ્તાવેજોના આધારે ડમી કંપનીઓ બનાવી અને બોગસ બિલિંગ કરીને ઇનપુટ ટેક્સ ક્રેડિટ (Input Tax Credit) મેળવી. જીએસટી કૌભાંડમાં તેણે કરોડો રૂપિયાનો શું ઉપયોગ કર્યો છે, તે હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો: સુરતના બારડોલી નેશનલ હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે સર્જાયો ભયંકર અકસ્માત, છ લોકોના મોત
પોલીસના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ એબી એન્ટરપ્રાઈઝ, બારીયા એન્ટરપ્રાઈઝ, ગણેશ એન્ટરપ્રાઈઝ, જય અંબે એન્ટરપ્રાઈઝ જેવી અનેક ડમી કંપનીઓ અનેક લોકોના બનાવટી દસ્તાવેજોના આધારે ખોલવામાં આવી છે. GST લાઇસન્સ લઈને તે પેઢીના નામે બેંક ખાતું ખોલવામાં આવ્યું છે. બેંક ખાતાનો ઉપયોગ કરીને ગેરકાયદેસર રીતે વેપાર કરીને Input Tax Credit લેવામાં આવી હતી.
પોલીસે ટેકનિકલ એનાલીસીસ દ્વારા તપાસ શરૂ કરી હતી. ભાવનગર, અમદાવાદ, મોરબી, સુરત, જૂનાગઢ જેવા 6 શહેરોમાં દરોડા પાડીને 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ ધીરે ધીરે 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછના આધારે મુખ્ય સૂત્રધારની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં હજુ 16 આરોપીઓ ફરાર છે.